સીંગવડ, સીંગવડ તાલુકાના મોટા આંબલીયા ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા દાહોદના સાંસદ અને લીમખેડાના ધારાસભ્યને આવેદન આપી મોટા આંબલીયાના 9 જેટલા વિકાસલક્ષી યોજનાઓનો મુદ્દો જણાવી મોટા આંબલીયા ગામનો વિકાસ કરવા માટે યોગદાન આપવા આવેદન આપ્યુ હતુ.
સીંંગવડ તાલુકાના મોટા આંબલીયા પંચાયતના ગ્રામજનો દ્વારા ભુતપુર્વ અને તાજેતરમાં ચાલુ સરપંચને વારંવાર વિકાસલક્ષી યોજનાઓ માટે જણાવવા છતાં આજદિન સુધી કોઈ કામગીરી હાથ ધરવામાં ન આવતા આગેવાન અને જાગૃત કાર્યકર્તાઓ દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરને એક લેખિત રજુઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યુ હતુ કે, મોટા આંબલીયાની ત્રણેય બાજુ જંગલ છે. આ જંગલની અંદર વિસ્તારમાં 8 જેટલા ફળિયાઓ આવેલ છે. ગામની એક બાજુથી સીંગવડ-સંજેલી રોડ પસાર છે. ગામ સ્ટેટ રોડ પર આવેલ હોવા છતાં આઝાદી મળ્યાને 77 વર્ષ પુર્ણ થવા આવ્યા છતાં ગામમાં એક પણ માર્ગનુ નિર્માણ કાર્ય હાથ આજદિન સુધી ધરાયુ નથી. ગામની આસપાસના અંદરના ગામો જેવા કે,સાકરીયા, નાના આંબલીયા, મલેકપુર, પીછોડા, સુરપુર, મંડેર, હાંડી, અગારા, ડુંગરપુર, સરજુમી જેવા ગામોના રસ્તાઓ આજે પાકા બનાવવામાં આવેલ છે. પણ મોટા આંબલીયાને આજેપણ સતત વિકાસની યોજનાઓથી દુર રાખવામાં આવ્યુ છે. જયારે મોટા ગ્રામ પંચાયતમાં સબ પોસ્ટ કે બેંક જેવી પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાથી વિધવા બહેનોને, ગામના વયોવૃદ્ધ નાગરિકોને 5 કિ.મી.દુર સીંગવડ તાલુકા મથકે જવુ પડે છે. જયારે ગામની આંગણવાડી હાલ ખંડેર હાલતમાં છે. અને આંગણવાડી બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હોય છતાં ટેન્ડર પ્રક્રિયા પણપુર્ણ થઈ ગઈ હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા આજદિન સુધી કામ શરૂ કરવામાં આવેલ નથી. પી.એસ.સી., સીએચ.સી.કે ફરતુ પશુ દવાખાનુ ન હોવાથી ગામના દર્દીઓને 2/3 કિ.મી.દુર જવુ પડે છે. બસની સુવિધા પણ નથી.