સીંગવડ, દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લાનો ચાર્જ સંભાળ્યા બાદ સીંગવડ તાલુકા પંચાયતમાં મનરેગા વિભાગ, વાસ્મો, નાણાંપંચ આવાસ યોજના, શિક્ષણ સહિત વિકાસલક્ષી યોજનાઓમાં ખામી જોવાતા કર્મચારી અને સરપંચોનો ઉધડો લીધો હતો. તેમજ નબળી કામગીરી કરનાર ગ્રામ પંચાયતોને નોટિસ આપી કાયદેસરના પગલા તાલુકા વિકાસ અધિકારીને આદેશ આપ્યો છે. તેમજ નરેગા યોજનાના બાકી કામો ટુંક સમયમાં પુર્ણ કરવા આદેશ આપ્યો હતો.
દાહોદના નવા નિમાયેલા જિલ્લા વિકાસ અધિકારીએ ના.જિલ્લા વિકાસ અધિકારી સાથે તાલુકા પંચાયત સીંગવડ ખાતે તલાટી કમ મંત્રી, સરપંચો, તાલુકા પંચાયત કચેરીના વિવિધ ખાતાના કર્મચારીઓ, મનરેગા વિભાગના કર્મચારીઓ, વડાપ્રધાન આવાસ સહિતના કર્મચારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં તાજેતરમાં તાલુકાના ગામોમાં કરોડોના ખર્ચે વાસ્મો યોજના શરૂ કરાઈ હોવા છતાં આજદિન સુધી પુર્ણ કરાઈ નથી. જેથી આગામી ગરમીના સમયમાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાનુ પાણી ન મળી રહે તો વિપરીત પરિસ્થિતિ થાય તેવા એંધાણ દેખાતા યોજનાઓ તાત્કાલિક ધોરણે શરૂ કરવા સુચના અપાઈ હતી. જયારે ગામડાઓમાં પાણી પુરવઠાની નબળી કામગીરી થઈ હોવાનુ કેટલાકં સરપંચોએ જણાવ્યુ હતુ. જેથી ડી.ડી.ઓ.એ વાસ્મોના અધિકારીઓને તાત્કાલિક પ્રશ્ર્નોનો નિકાલ કરી ઉચ્ચ કચેરીને રિપોર્ટ કરવા આદેશ આપ્યો હતો.
સીંંગવડ તાલુકામાં ગત વર્ષમાં કરેલા કામોની સમીક્ષા, પુર્ણ થયેલા કામોની ચુકવણી બાબતે વિશેષ ચર્ચા કરાઈ હતી. મનરેગા વિભાગના કર્મચારીઓને એક સપ્તાહમાં આધારલિંક કરવાની કામગીરી પુર્ણ કરવા આદેશ આપ્યફો હતો. ડી.ડી.ઓ.એ દાહોદ જિલ્લામાં સોૈથી કથળેલી કામગીરી મનરેગા વિભાગની હોવાનો ઠપકો આપ્યો હતો. વડાપ્રધાન આવાસ યોજનાનો પહેલા હપ્તાની ચુકવણી થઈ છે જયારે હજુ સુધી બીજા હપ્તાની ચુકવણીમાં વહીવટી ખામી જોવા મળી હોવાની પણ ચર્ચા થઈ હતી. ડી.ડી.ઓ.એ પંચાયતો યોગ્ય કામગીરી ના કરે તો કાયદાકિય જોગવાઈ મુજબ પગલા ભરવા માટે પણ તાલુકા વિકાસ અધિકારીને જાણ કરી હતી. બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિત સદસ્યની ગેરહાજરી ચર્ચાનો વિષય બન્યો હતો.