સીંગવડના સુડીયા ગામે લગ્ન પ્રસંગમાં ડી.જે.ઉપર ઉભેલા 11 વર્ષીય છોકરાને કરંટ લાગતાં મોત

દાહોદ, દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના સુડીયા ગામે બે દિવસ પહેલાં રાત્રીના લગ્ન પ્રસંગમાં વાનામાં આવેલ અને ડીજે પાસે ઉભેલ 11 વર્ષીય છોકરાને લોખંડની એંગલમાંથી કરંટ લાગતાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે.

સીંગવડ તાલુકાના સુડીયા ગામે હોળી ફળિયામાં રહેતાં બચુભાઈ મનસુખબાઈ નિસરતાના ઘરે લગ્ન પ્રસંગ હોઈ ગત તા.28.05.2023ના રોજ રાતના સમયે વાનો હોઈ ફળિયાનો 11 વર્ષીય કમલેશભાઈ બાબુભાઈ ડામોર પણ વાનામાં આવ્યાં હતા. તે દરમ્યાન રાત્રીના સાડા નવ વાગ્યાના સમયે 11 વર્ષીય કમલેશભાઈ ડામોર ડી.જે. પાસે ઉભા હતાં તે સમયે વાવાઝોડા સાથે વરસાદ પડતો હતો. તે સમયે ડીજે પાસે ઉભેલ કમલેશભાઈ ડામોર ડીજેની લોખંડની એંગલને અડતાંજ તેમને સખ્ત વીજ કરંટ લાગતાં તેમની સ્થિત ગંભીર બનતા તેમને સારવાર માટે તાબડતોડ સીંગવડ સરકારી દવાખાને લાવવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.

આ સંબંધે અજીતભાઈ બાબુભાઈ ડામોરે રણધીકપુર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.