સીંગવડ,
સીંગવડ તાલુકાના રંધિકપુર પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વડા દાહોદની અઘ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેકશન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિસ્તારના આગેવાનો, વિવિધ ગ્રામ પંચાયતના સરપંચો, તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમમાં પોલીસ જવાનો રહેઠાણ માટે કવાટર્સ બાબતે તેમજ મહેકમ મુજબ કર્મારીઓની ભરતી તેમજ ગામમાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા જેવી પ્રાથમિક બાબતો સહિત કેટલીક વિશેષ બાબતો ઉપર જિલ્લા પોલીસ વડાને રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સીંગવડ તાલુકાના રંધિકપુર પોલીસ મથક ખાતે દર વર્ષની જેમ જિલ્લા પોલીસ વડાની કચેરી દ્વારા ઈન્સ્પેકશન હાથ ધરવામાં આવે છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીનાની અઘ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેકશન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અને પોલીસ મથકના પ્રાંગણમાં જ જવાનોએ જનરલ સેલ્યુટ આપી જિલ્લા પોલીસવડાનુ સ્વાગત કર્યુ હતુ. દર વર્ષની જેમ વાર્ષિક ઈન્સ્પેકશનમાં જિલ્લા પોલીસવડા દાહોદ એ જાત માહિતીઓ લઈ નિરીક્ષણ કર્યુ હતુ. જયારે રેકર્ડની ચકાસણી સહિત ક્રાઈમની ચર્ચા અને ગંભીર ગુનાઓ દાખલ થવા બાબતની પણ જાત માહિતી લીધી હતી.