સીંગવડના મછેલાઈ ગામે રોડ ઉપર બોલેરોમાં લઈ જવાતો 1 લાખ ઉપરાંતનો ઈંગ્લીશ દારૂ ઝડપ્યો

દાહોદ,

દાહોદ એલસીબી પોલીસે સીંગવડ તાલુકાના મછેલાઈ ગામે રોડ પરથી વોચ દરમ્યાન રૂા.. 1લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ સાથે નંબર વગરની બોલેરો ગાડી તથા મોબાઈલ ફોન વગેરે મળી રૂા. 3,10,120ના મુદ્દામાલ સાથે એકની અટક કર્યાનું તેમજ એક નાસી ગયાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર લીમખેડા તાલુકાના મોટીવાવ ગામના ભુરીયા ફળીયાના નરેશભાઈ રમણભાઈ ગણાવા તથા સીંગવડ તાલુકાના પહાડ ગામના હઠીલા ફળીયાના જસવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા એમ બંને જણા વિદેશી દારૂનંબર વગરની બોલેરો ગાડીમાં ભરી લીમખેડા તરફ આવતા હોવાની દાહોદ એલસીબી પોલીસને મળેલ બાતમીને આધારે દાહોદ એલસીબી મછેલાઈ ગામે રોડ પર એલસીબી પોલીસે જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ નંબર વગરની બોલેરો ગાડી રોકી હતી અને ગાડી દુરથી જ નજરે પડતાં વોચમાં ઉભેલ એલસીબી પોલીસ સાબદી બની હતી અને નજીક આવતાં જ પોલીસે તે ગાડી રોકી ગાડીની તલાસી લઈ ગાડી માંથી રૂા. 1,05,120ની કુલ કિંમતની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-816 ભરેલ પેટીઓ નંગ-24 પકડી પાડી ગાડીના ડ્રાયવર મોટીવાવ ગામના નરેશભાઈ રમણભાઈ ગણાવાની અટક કરી તેની પાસેથી રૂા. 5000ની કિંમતનો મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. 2 લાખની કિંમતની બોલેરો ગાડી મળી રૂા. 3,10,120નો મુદ્દામાલ કબજે લીધો હતો. જ્યારે ગાડીમાં બેઠેલ બહાડ ગામનો બળવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા ગાડીમાંથી કુદી નાસી ગયો હતો. પોલીસે પકડાયેલ નરેશભાઈ રમણભાઈ ગણાવાને અત્રેની કચેરીએ લાવી પુછપરછ કરતા સદર માલ મછેલાઈ ગામના બુટલેગર દીલીપભાઈ બળવંતભાઈ લુહારે મંગાવ્યો હોવાનું જણાવતા પોલીસે આ મામલે મોટીવાવ ગામના નરેશભાઈ રમણભાઈ ગણાવા, પહાડ ગામના જસવંતભાઈ ઉર્ફે કટાળો માનસીંગભાઈ હઠીલા તથા મછેલાઈ ગામનો દીલીપભાઈ બળવંતભાઈ લુહાર વિરૂધ્ધ રંધીકપુર પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.