
દાહોદ,
સીંગવડ તાલુકાના પતંગડી ગામે એક ભાડાના રહેણાંક મકાનમાં પાંચ ઈસમો મોટા પાયે વિગેશી દારૂનું વેચાણ સહિત હેરાફેરી કરતાં હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે આ મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ પાડી વિદેશી દારૂની બોટલો નંગ.૫૧૯૯ જેની કુલ કિંમત રૂ.૫,૩૯,૮૦૫ ના જંગી જથ્થા સાથે એકને ઝડપી પાડ્યાનું જ્યારે કેટલાક નાસી જવામાં સફળ રહ્યાનું જાણવા મળે છે.
પિતામ્બર ઉર્ફે દિનેશભાઈ હીરાભાઈ વણકર (રહે. વેજમાં (ખાંટ ફળિયું) તા.મોરવા (હ), જિ.પંચમહાલ), શંકરભાઈ તેરસીંગભાઈ ઉર્ફે વીરસીંગભાઈ બારીઆ, વિજયભાઈ તેરસીંગભાઈ વીરસીંગભાઈ બારીઆ, ખુમાનસીંગ બળવંતસીંગ પટેલ (ત્રમેણ રહેવાસી, પતંગડી,તા.સીંગવડ,જિ.દાહોદ) અને બીજો એક જે વિદેશી દારૂનો જથ્થો પુરો પાડતો હતો. આ પાંચેય જણા પતંગડી ગામે એક ભાડાનું મકાન રાખી તેમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ સહિત હેરાફેરી કરતાં હતા. આ અંગેની બાતમી પોલીસને મળતાં પોલીસે ગત તા.૧૧મી નવેમ્બરના રોજ પોલીસ કાફલા સાથે આ ભાડાના મકાનમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે પોલીસે પિતામ્બર ઉર્ફે દિનેશભાઈને ઝડપી પાડ્યો હતો અને બાકીના નાસી જવામાં સફળ રહ્યા હતા. આ બાદ પોલીસે મકાનની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ, બીયરની બોટલો નંગ.૫૧૯૯ જેની કુલ કિંમત રૂ.૫,૩૯,૮૦૫ નો પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત તમામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી રણધીકપુર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.