સિંઘમ અગેઇનમાં દીપિકા પાદુકોણની ‘શક્તિ શેટ્ટી’ સ્ટાઈલ ધૂમ મચાવશે

મુંબઇ, રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ ફિલ્મ ‘સિંઘમ અગેન’માંથી દીપિકા પાદુકોણના પાવરફુલ લુકને લઈને એક ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે. અજય દેવગન સ્ટારર ‘સિંઘમ અગેન’માં અક્ષય કુમાર અને રણવીર સિંહ કેમિયો રોલમાં જોવા મળશે. ‘ખતરો કે ખિલાડી ૧૩’ના ગ્રાન્ડ ફિનાલે બાદ હવે રોહિત શેટ્ટી ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે. થોડા સમય પહેલા રોહિત શેટ્ટીએ સત્તાવાર જાહેરાત કરી હતી કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ લેડી સિંઘમના રોલમાં જોવા મળશે. દરમિયાન, ફિલ્મ ‘સિંઘમ અગેન’નો દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે.

‘સિંઘમ અગેન’ના દીપિકા પાદુકોણના નવા લુકએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. આ લુક જોયા બાદ દર્શકોમાં ફિલ્મ જોવા માટે ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઘણા દિવસોથી ફિલ્મ ‘સિંઘમ અગેન’ને લઈને ચર્ચા ચાલી રહી હતી. આવી સ્થિતિમાં દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક સામે આવ્યો છે, જેમાં અભિનેત્રીનો સ્વેગ અને એક્શન અવતાર જોવા મળી શકે છે. રણવીરથી લઈને આલિયા ભટ્ટે રોહિત શેટ્ટીની પોસ્ટ પર કોમેન્ટ કરી છે અને દીપિકા પાદુકોણના લુકની પ્રશંસા કરી છે.

તમને જણાવી દઈએ કે રોહિત શેટ્ટી અને અજય દેવગન આ પહેલા ઘણી ફિલ્મોમાં સાથે કામ કરી ચુક્યા છે, જેમાં તેઓ ‘સિંઘમ’, ‘સિંઘમ ૨’ અને ‘ગોલમાલ’ ફ્રેન્ચાઈઝીમાં જોવા મળ્યા છે. દીપિકા પાદુકોણ પણ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં કેમિયો કરતી જોવા મળી હતી. ‘સિંઘમ અગેન’માંથી દીપિકા પાદુકોણનો ફર્સ્ટ લૂક શેર કરતી વખતે, રોહિત શેટ્ટીએ કેપ્શનમાં લખ્યું, સ્ત્રી સીતાનું સ્વરૂપ છે અને દુર્ગાનું પણપ મળો અમારા કોપ બ્રહ્માંડના સૌથી ખતરનાક અધિકારીનેપ શક્તિ શેટ્ટી, લેડી સિંઘમ દીપિકા પાદુકોણને જોવા માટે તૈયાર રહો’ આ પોસ્ટ પર કોમેન્ટ કરતાં રણવીર સિંહ, આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂરે દીપિકા પાદુકોણના લૂકની પ્રશંસા કરી છે.

દીપિકા પાદુકોણના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ વર્ષે તે શાહરૂખ ખાન સાથે ‘પઠાણ’માં લીડ રોલમાં જોવા મળી હતી અને તે જ વર્ષે તે શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’માં કેમિયો રોલમાં જોવા મળી હતી. દીપિકા ટૂંક સમયમાં ‘પ્રોજેક્ટ કે’માં જોવા મળશે. પ્રભાસ સાથે આ તેની પ્રથમ ફિલ્મ હશે. નાગ અશ્ર્વિન દ્વારા નિર્દેશિત, તેમાં અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે. આ સાથે દીપિકા હૃતિક રોશનની ‘ફાઈટર’માં પણ જોવા મળશે.