સિંગાપોર અને ન્યૂયોર્ક વિશ્ર્વના સૌથી મોંઘા શહેર જાહેર: રિપોર્ટ

સિંગાપોર,

સિંગાપોર અને ન્યૂયોર્ક સંયુક્તપણે વિશ્ર્વના સૌથી મોંઘા શહેર જાહેર કરવામાં આવ્યા છે. સિંગાપોરમાં અંદાજે ૫૦ લાખ ભારતીયો રહે છે. સિંગાપોરમાં મકાનના ભાડામાં ૨૦ ટકાનો વધારો થયો છે જ્યારે કાર રેન્ટમાં પણ ૩૦ ટકાનો વધારો થયો છે.

ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (ઈઆઇયુ)ના વર્લ્ડવાઇડ કૉસ્ટ ઑફ લિવિંગ ઇન્ડેક્સના મંગળવારે જાહેર કરાયેલા તારણોમાં આ માહિતી સામે આવી હતી. આ સરવેમાં ફાયનાન્સ મેનેજર્સ તથા માનવ સ્ત્રોતો દ્વારા જીવન જીવવા માટે થતા ખર્ચનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. આ સરવે દર બે વર્ષે હાથ ધરવામાં આવે છે. સરવેમાં ૨૦૦થી વધુ પ્રોડક્ટ્સ અને સેવાઓના ખર્ચની વિગતો મેળવવામાં આવે છે.

તાજા સરવેમાં વિશ્ર્વના ૧૭૨ શહેરોમાં જીવન જીવવા માટેના ખર્ચની વિગતો મેળવવામાં આવી હતી. તારણો અનુસાર ૧૭૨ શહેરમાં ચાલુ વર્ષે જીવન જીવવા માટેના ખર્ચમાં ૮.૧ ટકાનો વધારો થયો છે. જે છેલ્લા ૨૦ વર્ષમાં સૌથી મોટો વધારો છે. સિંગાપોરમાં ઘર ખરીદવું કે ભાડે લેવું સૌથી મોંઘુ છે.

સિંગાપોરમાં લોકલ હૉર્ક્સને ત્યાં એક ટંક જમવાનો ખર્ચ ૫ સિંગાપોર ડૉલર છે. જ્યારે પ્લેન ડોસા ૨.૯૦ સિંગાપોર ડૉલરમાં મળે છે. જો કે ઈઆઇયુના રિપોર્ટમાં જણાવાયું છે કે રાહતની વાત એ છે કે કેટલાક દેશોમાં વ્યાજદરો હળવા થતા તથા ફુગાવામાં ઘટાડો થતા કૉસ્ટ ઑફ લિવિંગમાં પણ ઘટાડો થયો છે. રિપોર્ટમાં એમપણ કહેવાયું છે કે રશિયા-યુક્રેન યુદ્ધ તથા ચીનના ઝીરો કોવિડ પોલિસીના કારણે દુનિયાભરમાં સપ્લાય-ચેઇનને અસર થઈ છે.