સીંગવડ તાલુકાના મુનાવાણીમાં ચાલતી શાળાએ જતી 9 વર્ષિય બાળકીને અડડેટમાં લઈ માથામાં તથા પગે ઈકોના ટાયરો ફરી વળતા ધટના સ્થળે મોત નીપજયું હતુ. અકસ્માત કરી નાસતા ચાલકનો પીછો કરી પકડી પાડી પોલીસને સોંંપ્યો હતો. અકસ્માત સંદર્ભે રણધિકપુર પોલીસે ઈકો ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.
સીંગવડ તાલુકાના મુનાવાણી ગામના મહેશભાઈ લાલુભાઈ હઠીલાની 9 વર્ષિય પોૈત્રી તન્વી મંથનભાઈ હઠીલા મુનાવણી મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે ધરેથી શાળાએ જવા માટે લીમડી તરફ જતા રોડની સાઈડમાં ચાલતી જતી હતી તે દરમિયાન ધરની આગળ લીમડીથી રણધિકપુર તરફ જતા રોડે લીમડી તરફથી આવતી ઈકોના ચાલકે પોતાનુ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તન્વીને અડડેટમાં લઈ અકસ્માત કરી તન્વી દુર સુધી ફંગોળાઈ હતી. ઈકોનુ ટાયર માથા તેમજ બંને પગના ભાગે ચઢી જતાં ગંભીર ઈજાઓ થતાં બાળકીનુ ધટના સ્થળે મોત નીપજયું હતુ.
ઈકો ગાડીનો ચાલક અકસ્માત સર્જી ભાગવાની કોશિષ કરતા મહેશભાઈની ધરની બાજુમાં રહેતા વિરકાભાઈ હઠીલા તથા કૈલાશભાઈ હઠીલાએ પીછો કરી રસજુમી ગામ તરફ જતાં રસ્તા પાસેથી ઈકો ચાલક પીસોઈના ગણપત કાનજી બારીયાને પકડી પાડ્યો હતો. ત્યારબાદ અકસ્માતની જાણ રણધિકપુર પોલીસને કરતા પોલીસ ધટના સ્થળે ધસી આવી અને પકડી પાડેલ ઈકો ગાડીના ચાલકનો કબ્જો લીધો હતો. આ બાબતે મહેશભાઈ લાલુભાઈ હઠીલાએ ઈકો ચાલક સામે રણધિકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.