અમદાવાદ,શહેરના સિંધુ ભવન રોડ પર કેફે અને રેસ્ટોરન્ટની આડમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલતા હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે સરખેજ પોલીસે સિંધુભવન રોડ પર તાજ હોટલ પાસે આવેલા લોંજ કાસાનોવા રેસ્ટોરન્ટમાં ચાલતા હુક્કાબાર પર દરોડો પાડીને મોટાપ્રમાણમાં હુક્કા અને નિકોટીન યુક્ત ફ્લેવર ના જપ્ત કરી હતી.
આ અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.શહેરના સિંધુભવન રોડ પર તાજ હોટલ પાસે આવેલા લોંજ કાસાનોવા નામના રેસ્ટોરન્ટમાં ખાણીપીણીની આડમાં હુક્કાબાર પણ ચલાવવામાં આવતું હોવાની બાતમી સરખેજ પોલીસને મળી હતી.
જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો. જેમાં ૩૨ જેટલા લોકો હુક્કો પીતા મળી આવ્યા હતા. આ અંગે પોલીસે લોંજના માલિક પિન્કેશ પટેલ અને મેનેજરની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે પિન્કેશ પટેલ તેમજ રાજદીપ સોની અને કમલેશ બગડા ભાગીદારીમાં રેસ્ટોરન્ટ ચલાવતા હતા. આ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પીઆઇ આર કે ધુળીયાએ જણાવ્યું કે હર્બલ ફ્લેવર ની અંદર નિકોટીન વાળી ફ્લેવર ઉમેરીને ગ્રાહકોને આપવામાં આવતી હતી. જેના બદલામાં સામાન્ય કરતા વધારે રકમ વસુલવામાં આવતી હતી. પોલીસે સ્થળ પરથી મોટાપ્રમાણમાં હુક્કા અને વિવિધ ફ્લેવર સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પીસીબીએ ધ બીગ ડેડી કેફે પર દરોડો પાડીને ગેરકાયદેસર ચાલતા હુક્કાબારનો પર્દાફાશ કર્યો હતો.