સિક્કિમમાં પૂરે વેર્યો વિનાશ: ૨૨ જવાનો સહિત ૧૦૨ લાપતા, ૧૪નાં મોત, ૨૬ ઘાયલ

ગંગટોક, સિક્કિમમાં કુદરતી આફતના કારણે અત્યાર સુધીમાં ૧૦ લોકોના મોત થયા છે. ગુમ થયેલા ૨૩ સેનાના જવાનોમાંથી એકનો રેસ્કૂય કરવામાં આવ્યો છે. જે સૈનિકની સારવાર ચાલી રહી છે. આ સાથે અન્ય ૨૨ ગુમ સૈનિકોને શોધખોળ પણ ચાલી રહી છે અને પશ્ર્ચિમ બંગાળ સુધી તિસ્તા નદીમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, સિક્કિમના મંગન જિલ્લાના લોનાક તળાવના કેટલાક ભાગોમાં ગ્લેશિયલ લેક ફાટવાના કારણે તિસ્તા નદીના નીચાવાળા ભાગમાં પાણીનું સ્તર ખૂબ જ ઝડપથી વધી ગયું હતું. જેના કારણે મંગન, ગંગટોક, પાક્યોંગ અને નામચી જિલ્લામાં મોટું નુક્સાન થયું છે. ઉત્તર સિક્કિમના લોનાક સરોવરના કેટલાક ભાગોમાં તળાવ ફાટવાને કારણે પાણીનું સ્તર લગભગ ૧૫ મીટર/સેકન્ડના વેગ સાથે વયું હતું.

પૂરની દુર્ઘટના બાદ જિલ્લામાંથી ૨૩ સેનાના જવાનો ગુમ થયા હતા. જેમાંથી એકને બચાવી લેવામાં આવ્યો છે. અચાનક પૂરના કારણે આઠ લોકોના મોત થયા છે, જ્યારે ૨૨ સૈન્યના જવાનો સહિત ૧૦૨ લોકો હજુ પણ લાપતા છે. અધિકારીઓએ જણાવ્યું કે ત્રણ લોકો ઉત્તર બંગાળમાં તણાઈ ગયા છે. મંગળવારે મોડી રાત્રે ૧.૩૦ વાગ્યાની આસપાસ પૂર આવ્યું હોવાની માહિતી છે. ગંગટોકના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ મહેન્દ્ર છેત્રીએ જણાવ્યું હતું કે, ગોલીટાર અને સિંગતામ વિસ્તારોમાંથી પાંચ મૃતદેહો મળી આવ્યા છે.

કેબિનેટ સચિવ રાજીવ ગૌબાના નેતૃત્વમાં નેશનલ ક્રાઈસિસ મેનેજમેન્ટ કમિટી બેઠક કરી અને સિક્કિમની સ્થિતિની સમીક્ષા કરી હતી. સિક્કિમના મુખ્ય સચિવે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં હાજરી આપી હતી અને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે સમિતિને માહિતગાર કર્યા હતા. તેમણે કમિટીને રાહત અને બચાવના પગલાં લેવામાં રાજ્ય સરકારના પ્રયાસો વિશે પણ માહિતી આપી હતી. ગૃહ સચિવે સમિતિને કહ્યું કે કેન્દ્ર સરકાર ઉચ્ચ સ્તરે ૨૪ટ૭ સ્થિતિ પર નજર રાખી રહી છે. ગૃહ મંત્રાલયના બંને કંટ્રોલ રૂમ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને તમામ શક્ય મદદ પૂરી પાડવામાં આવી રહી છે.

વિવિધ એજન્સીઓ અને સિક્કિમ સરકારના રાહત અને બચાવ પગલાંની સમીક્ષા કરતા કેબિનેટ સચિવ રાજીવ ગૌબાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ચુંગથાંગ ડેમની સુરંગમાં ફસાયેલા લોકો અને પ્રવાસીઓને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે વધારાની ટીમો તૈનાત કરવી જોઈએ અને શક્ય તેટલા ઓછા સમયમાં રોડ, ટેલિકોમ અને પાવર કનેક્ટિવિટી પુન:સ્થાપિત કરવી જોઈએ.