સિંગવડ તાલુકાની મછેલાઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગાનું મોટુ ભોપાળુ સામે આવ્યુ છે. તેમાં મૃતકો, સરકારી કર્મચારી અને શાળામાં ભણતા છાત્રોના નામે જોબકાર્ડ બનાવીને નાણાની હયહગ બહાર આવી છે.
દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના મછેલાઈ ગ્રુપ ગ્રામ પંચાયતમાં 5 ગામનો સમાવેશ થાય છે. જેમાં મછેલાઈ, ઢબુડી, હુમડપુર, પસાયતા અને વણઝારીયા આ પંચાયતમાં છેલ્લા પાંચ વર્ષમાં દોઢ કરોડથી ઉપર મનરેગા તેમજ વિવિધ યોજનાઓ હેઠળ કોઈ પણ કામ કર્યા વગર ખોટા બીલો રજૂ કરી અને નાણા ઉપાડી લેવાયા છે. છેલ્લા પાંચ વર્ષમાં કૌભાંડીઓ દ્વારા ખોટા જોબકાર્ડ તેમજ ખોટા આધારકાર્ડ અને ખોટા એકાઉન્ટ લિંક કરીને લોકોને જે સાચી સહાય મળે છે, તે પણ મળવાપત્ર રહી નથી. જેમાં કિસાન સન્માન નિધિ, વિધવા સહાય વૃદ્ધ સહાય તેમજ પ્રધાનમંત્રી આવાસ અંતર્ગત 17,500 જે લાભાર્થી ને પ્રધાનમંત્રી આવાસ મળેલ છે તેની મજૂરી જોબ કાર્ડથી ચૂકવવામાં આવે છે. તે પણ આ મનરેગાના કૌભાંડીઓ પોતાના જોબકાર્ડ નાખી આ આવાસ ધારકોની મજૂરીના નાણાં પડાવી લીધાના આક્ષેપ છે. મછેલાઈ ગ્રુપગ્રામ પંચાયતમાં અભ્યાસ કરતા વિધાર્થીઓના નામે તેમજ મરણ ગયેલા તેમજ 70 થી 75 વર્ષ ની ઉંમર ધરાવતા વૃદ્ધ લોકો નામે જોબકાર્ડ બનાવી મજુરીના નાણાની હયગય કરાયાનો ઘટસ્ફોટ થયો છે. આ ભ્રષ્ટાચાર મામલે જાગૃત નાગરિકો દ્વારા સ્વાગત કાર્યક્રમમાં બે વખત રજૂઆત કરવા છતાં કોઇ પરિણામ મળ્યુ ન હતું. દાહોદ કલેક્ટર, દાહોદ ડીડીઓ, મુખ્યમંત્રી તેમજ પ્રધાનમંત્રીને પણ અરજી કરવામાં આવી છે. પરંતુ આ મામલે તલસ્પર્શી તપાસનો અભાવ જોવાતો હોવાના આક્ષેપો થઇ રહ્યા છે.
ટીડીઓ ફોન જ નથી ઉપાડતા મછેલાઇ ગ્રુપ ગ્રામ પંચાયતમાં મનરેગામાં થયેલા ભ્રષ્ટાચાર મામલે તપાસ કેટલે પહોંચી છે, દોષિતો સામે શું કાર્યવાહી કરાઇ તેની જાણકારી માટે સિંગવડના તાલુકા વિકાસ અધિકારી એમ.કે ભગોરા પાસેથી ટેલિફોનિક જાણકારી મેળવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ તેઓ ફોન જ ઉપાડતાં ન હોવાથી જાણકારી મળી શકી ન હતી.
તપાસમાં નાણા ઉપડ્યાની વિગતો બહાર આવી હતી સરકારની યોજનામાં મારાં ઘર પાસે પેવરબ્લોકનુ કામ મંજુર થયું હતું.પરંતુ લાંબા સમય સુધી આ કામ ન થતા મેં તા. પં.માં તપાસ કરતા આ કામ ઓફિસમાં વગ ધરાવતા લોકોએ બીજી કોઈ જગ્યાએ ફાળવી અને સરકારી નાણાં ઉપાડી લીધાની વિગત બહાર આવી હતી. મેં આ બાબતમાં ઊંડાણ પૂર્વક તપાસ કરી તો વિવિધ પ્રકારે ગેરરીતિ કરાઈ હોવાની બાબતો મારી નજર સામે આવતા મેં આગળ તપાસ માટે અરજી કરી હતી.- જયેશકુમાર સોલંકી ,અરજદાર વણઝારીયા,