મુંબઇ, છેલ્લા કેટલાય સમયથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન અને વેપારીઓ વચ્ચે દુકાનો પર મરાઠી પાટિયાના મુદ્દે જે ગજગ્રાહ ચાલી રહ્યો છે એમાં ગઈ કાલે બીએમસીએ સખત વલણ અપનાવીને પહેલી મેથી જે દુકાનોનાં પાટિયાં પર મરાઠીમાં નામ નહીં હોય તેમની પાસેથી ડબલ પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાનું નક્કી કર્યું છે. ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે બીએમસીની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ એણે અમુક દુકાનદારો પાસેથી દંડ વસૂલ કર્યો હતો, પણ બીએમસીના નવા ઍડ્મિનિસ્ટ્રેટર ભૂષણ ગગરાણીએ આવ્યા બાદ નિયમનું પાલન ન કરનારા દુકાનદારો પાસેથી બમણો પ્રૉપર્ટી ટૅક્સ લેવાની જાહેરાત કરી છે.નવાઈની વાત તો એ છે કે કાયદામાં આવી કોઈ જોગવાઈ છે કે નહીં એની બીએમસીને પણ નથી ખબર, પણ તેમનું કહેવું છે કે જો જોગવાઈ નહીં હોય તો અમે એ કરી દઈશું.
આ સિવાય ગ્લો સાઇન-બોર્ડમાં પણ દુકાનનું નામ મરાઠીમાં લખેલું હોવું જોઈશે, નહીં તો આવા દુકાનદારોનું લાઇસન્સ પણ કૅન્સલ કરવામાં આવશે અને એને રિન્યુ કરવાની રકમ ૨૫,૦૦૦ રૂપિયાથી લઈને ૧.૫ લાખ વચ્ચે ચાર્જ કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે દુકાનદારોને તેમના સાઇન-બોર્ડ મરાઠી ભાષામાં લખવાની ૨૩ નવેમ્બર ૨૦૨૩ સુધીની મુદત આપી હતી. એ પછી બીએમસીએ ૩૧ માર્ચ ૨૦૨૪ સુધી કેટલા દુકાનદારોએ સાઇન-બોર્ડ મરાઠીમાં લખ્યા એનો સર્વે કરતાં એમાં એવું જાણવા મળ્યું હતું કે કુલ ૮૭,૦૪૭ દુકાનોની તપાસમાંથી ૮૪,૦૦૭ દુકાનોએ સાઇન-બોર્ડમાં ફેરફાર કરી મરાઠીમાં નામ લખી લીધા હતા, જ્યારે ૩૦૪૦ દુકાનોએ મરાઠીમાં નામ લખ્યા નહોતા. એથી એ દુકાનોને બીએમસીએ નોટિસ મોકલાવી હતી. આના સંદર્ભમાં ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ વિરેન શાહને બીએમસીના આ નવા ફતવા વિશે પૂછતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોટા ભાગના દુકાનદારોએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી દીધું છે. જ્યાં સુધી બમણો પ્રૉપર્ટી ટૅક્સ વસૂલ કરવાની વાત છે તો એ બાબતનો સર્ક્યુલર જ્યાં સુધી અમારી પાસે નહીં આવે ત્યાં સુધી કંઈ કહી ન શકાય.’
બીએમસીએ કઈ જોગવાઈ હેઠળ બમણો પ્રૉપર્ટી ટૅક્સ લેવાનું નક્કી કર્યું છે એવો સવાલ પૂછતાં બીએમસીના ડેપ્યુટી પબ્લિક રિલેશન્સ ઑફિસર મિલિંદ કુમાર બાફનાએ કહ્યું હતું કે ‘દુકાનદારો મરાઠીમાં સાઇન-બોર્ડ લખવાના સુપ્રીમ કોર્ટના આદેશને પણ ગણકારતા નથી ત્યારે બીએમસી પોતાની રીતે એ માટે પગલાં લે એમાં ખોટું કંઈ નથી. પ્રૉપર્ટી ટૅક્સ ડબલ કરવાની કાયદામાં હાલ જોગવાઈ નથી, પણ અમે આ નિર્ણયનો અમલ પહેલી મેથી કરવાના છીએ એથી આ સમયગાળા દરમ્યાન અમે કાયદામાં ફેરફાર કરીને એ જોગવાઈ કરી લઈશું.’