સિદ્ધુ મૂસેવાલાના પરિવારની મુશ્કેલીમાં વધારો, માતાને સ્વાસ્થ્ય મંત્રાલયે ફટકારી નોટિસ

  • ચરણ કૌરે ૫૮ વર્ષની ઉંમરે આઇવીએફ દ્વારા પુત્રને જન્મ આપ્યો છે

ચંડીગઢ, પંજાબના પ્રખ્યાત દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાની માતા ચરણ કૌરે તાજેતરમાં જ એક પુત્રને જન્મ આપ્યો છે. પુત્રના મૃત્યુ પછી, મૂસેવાલાની માતાએ ગર્ભાવસ્થા માટે આઇવીએફ તકનીકનો આશરો લીધો હતો. જાણીતું છે કે ચરણ કૌર ૫૮ વર્ષની છે. હવે સિનિયર સિટીઝન કરતાં બે વર્ષ ઓછી ઉંમરમાં માતા બનવાને લઈને એક નવી સમસ્યા સામે આવી છે. આ સંદર્ભે, બુધવારે સ્વાસ્થ્ય મંત્રાલયે સિદ્ધુ મૂસેવાલાની માતા અને પંજાબ સરકાર પાસેથી આઇવીએફ સારવાર અંગે રિપોર્ટ માંગ્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે સિંગરની માતા ચરણ કૌર અને પંજાબ સરકાર પાસેથી આઇવીએફસારવાર અંગે રિપોર્ટ માંગ્યો છે. નોટિસમાં લખવામાં આવ્યું છે કે, ’આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ ૨૦૨૧ની કલમ ૨૧ હેઠળ,એઆરટી સેવાઓ દ્વારા માતા બનતી મહિલાઓની નિર્ધારિત ઉંમર ૨૧-૫૦ વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે.’ રિપોર્ટ્સ અનુસાર ચરણ કૌરે ૫૮ વર્ષની ઉંમરે આઇવીએફ દ્વારા પુત્રને જન્મ આપ્યો છે. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પંજાબ સરકાર આ અંગે પોતાનો જવાબ મંત્રાલયને મોકલે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સિંગરના પિતા બલકૌર સિંહે એક વીડિયો જાહેર કરીને પંજાબ સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેણે કહ્યું હતું કે તેના બાળકના જન્મથી જ સરકાર તેને હેરાન કરી રહી છે. તેમને બાળક કાયદેસર હોવાનું સાબિત કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેણે કહ્યું કે કૃપા કરીને મને બાળકની સારવાર પૂર્ણ કરવાની મંજૂરી આપો. હું અહીં પંજાબમાં રહું છું. તમને ખાતરી આપું છું કે હું તમામ કાયદાકીય દસ્તાવેજો બતાવીશ.’

જણાવી દઈએ કે જે મહિલાઓ કુદરતી રીતે માતા નથી બની શક્તી તેઓ IVF ની મદદ લે છે. જો કે આઈવીએફની મદદથી કોઈ પણ વ્યક્તિ ૬૦, ૭૦, ૮૦ વર્ષની ઉંમરે માતા બની શકે છે, પરંતુ ભારતના નિયમો અનુસાર અહીંની મહિલાઓ ૫૦ વર્ષની ઉંમર સુધી આઈવીએફ ટ્રીટમેન્ટની મદદથી માતા બની શકે છે. જ્યારે પુરૂષો આઇવીએફની મદદથી ૫૫ વર્ષની ઉંમર સુધી પિતા બની શકે છે. ભારતમાં વર્ષ ૨૦૨૧માં પસાર થયેલા કાયદા ’આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ, ૨૦૨૧’ અનુસાર, ભારતમાં મહિલાઓ ૫૦ વર્ષની ઉંમર સુધી આઇવીએફની મદદ લઈ શકે છે.જાણીતું છે કે મૂસેવાલાની માતા ૫૮ વર્ષની ઉંમરે આઇવીએફની મદદથી માતા બની હતી. જોકે, તેણે ભારતમાંથી નહીં પરંતુ વિદેશથી આઇવીએફ ટ્રીટમેન્ટ લીધી, જેના કારણે તેને ત્યાં પરવાનગી મળી હતી.