
મુંબઇ,
દિવંગત ગાયક સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ ધમકી તેમને એક મેલ દ્વારા મોકલવામાં આવી છે. ઈમેલમાં બલકૌર સિંહ અને તેના પરિવારને લૉરેન્સ બિશ્ર્નોઈ જેવા ગેંગસ્ટરના નામ ન લેવાની સૂચના આપવામાં આવી છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ધમકીભર્યા ઈમેલમાં અભિનેતા સલમાન ખાનનું નામ પણ છે. આ પહેલા સલમાન ખાનના પિતા સલીમ ખાનને એક પત્ર મળ્યો હતો, જેમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારપછી સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ સિદ્ધુ મુસેવાલાના પિતાને જાનથી મારી નાખવાની ધમકીઓથી વાકેફ છે. મળતી માહિતી મુજબ, ધમકીભર્યો ઈમેલ રાજસ્થાનથી મોકલવામાં આવ્યો છે. જોકે આ મામલે પોલીસ હજુ મૌન છે. પોલીસે ધમકીનો ઇનકાર કે પુષ્ટિ કરી નથી.
આ પહેલીવાર નથી જ્યારે મુસેવાલાના પિતાને ધમકી મળી હોય. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પણ ઈ-મેલ દ્વારા આવી જ ધમકી મળી હતી. ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે જો લોરેન્સ બિશ્ર્નોઈ અને જગ્ગુ ભગવાનપુરિયા વિશે કંઈ કહેવામાં આવશે તો તેઓ તેમને મારી નાખશે. ત્યારબાદ પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. જો કે બલકૌર સિંહે દરેક ધમકી બાદ કહ્યું છે કે, તેઓ ડરતા નથી.
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ૨૯ મેના રોજ સિદ્ધુ મુસેવાલાને પંજાબના માનસામાં રસ્તામાં ગોળી મારી દેવામાં આવી હતી. મૂઝવાલા તેના મિત્ર સાથે જીપમાં સવાર થઈને ગામ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં ઘણા લોકોએ તેને ઘેરી લીધો અને કાર પર ગોળીબાર કર્યો, જેમાં મૂઝવાલાનું મોત થયું.