મુંબઈ,
સાત ફેબ્રુઆરીના રોજ સિદ્ધાર્થ મલ્હોત્રા તથા કિઆરા અડવાણીએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. ૮ ફેબ્રુઆરીએ બંને જેસલમેરથી દિલ્હી ગયા હતા. આ દરમિયાન બંને રેડ આઉટફિટમાં જોવા મળ્યા હતા. દિલ્હી આવ્યા બાદ બંને મીડિયાને મળ્યા હતા અને મીઠાઈ વહેંચી હતી. આ ઉપરાંત કિઆરા ગૃહપ્રવેશ દરમિયાન પતિ સિદ્ધાર્થ સાથે ઢોલના તાલે નાચતી જોવા મળી હતી.
સિદ્ધાર્થના દિલ્હી સ્થિત ઘરનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઈને લાગે છે કે સિદ્ધાર્થના પરિવારે નવી વહુનું ગ્રાન્ડ વેલકમ કર્યું હતું. ઘર રોશનીથી ઝગમગ કરતું હતું. ઘરની બહાર ઢોલની થાપ પર સિદ્ધાર્થ-કિઆરાએ પરિવાર સાથે ડાન્સ કર્યો હતો.
સિદ્ધાર્થના ઘરની બહારના વીડિયો જોઈને સો.મીડિયા યુઝર્સે વખાણ કર્યા હતા. એકે કહ્યું હતું કે કિઆરા કેટલી નસીબવંતી છે કે તેને આવા સાસરિયા મળ્યાં. અન્ય એકે કમેન્ટ કરી હતી કે કિઆરાનું આ રીતનું સ્વાગત જોઈને આનંદ થયો.
રિપોર્ટ્સ પ્રમાણે, સિદ્ધાર્થ તથા કિઆરા ૯ ફેબ્રુઆરીએ દિલ્હીમાં મિત્રો ને પરિવારના સભ્યો માટે રિસેપ્શન પાર્ટી આપશે. બોલિવૂડ સ્ટાર્સ માટે મુંબઈમાં ૧૨ ફેબ્રુઆરીએ ગ્રાન્ડ પાર્ટી હોસ્ટ કરશે.
કિઆરાએ લગ્નમાં રેડ નહીં, પણ પિંક કલર પસંદ કર્યો હતો. પિંક લહેંગામાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સિદ્ધાર્થ ગોલ્ડન એમ્બ્રોડરીવાળી ઑફ વ્હાઇટ શેરવાનીમાં હેન્ડસમ લાગતો હતો. કપલે લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ’હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે, તમારો પ્રેમ ને આશીર્વાદ જોઈએ.’ રિપોર્ટ્સ પ્રમાણે, સિદ્ધાર્થે મુંબઈના જુહૂમાં સી ફેસિંગ ઘરમાં ૭૦ કરોડનું ઘર લીધું છે. સિદ્ધાર્થે ૩૫૦૦ સ્ક્વેર ફુટનો અપાર્ટમેન્ટ ફાઇનલ કર્યું છે. આ ઘરનું ઇન્ટિરિયર શાહરુખ ખાનની પત્ની ગૌરીએ કર્યું છે.