સિદ્ધુપુર તાલુકાના લુખાસણ ગામની મહિલા રહસ્યમય રીતે ગુમ થઈ. બીજા દિવસે એક મંદિર પાસેથી મહિલાની લાશ મળતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. મહિલાની હત્યા થઈ છે કે પછી આત્મહત્યા તે એક રહસ્ય છે. પોસ્ટમાર્ટમ બાદ પોલીસ ચોક્કસ દિશામાં તપાસ શરૂ કરશે.
ઘટનાની વિગત મુજબ લુખાસણ ગામની રહેવાસી મહિલા કેસરબેન શ્રીફળનો વેપાર કરે છે. ૪૫ વર્ષીય કેસરબેન વશરામભાઈ રાવળ તેમના નિત્યક્રમ મુજબ શનિવારે ગામના હનુમાનજી મંદિર પાસે શનિવારે શ્રીફળ વેચવાના વેપાર અર્થે ગયા હતા. તેમનું કામ પતી જતા તેમના દિકરાને ફોન કરી લઈ જવા કહ્યું. જો કે જયારે કેસરબેનનો દીકરો તેમને લેવા પંહોચ્યા ત્યારે તે ત્યાં નહોતા. તેમના દીકરાએ માતાની શોધખોળ કરી. પરંતુ માતાનો કયાંય પત્તો ન લાગ્યો. શનિવારે હનુમાનજી મંદિર પાસેથી સાંજે ગુમ થયેલ મહિલા કેસરબેનની બીજા દિવસે લાશ મળી. કેસરબેનનો મૃતદેહ મંદિરના પાછળના ભાગમાં સરસ્વતી નદી વચ્ચે એક ઝાડ પર લટક્તો હતો. પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થળ પર આવી તપાસ હાથ ધરી.
પોલીસને આ ઘટનામાં પ્રાથમિક તપાસ કરતાં મહિલાનું મોત રહસ્યમય લાગ્યું. મહિલાની લાશ ઝાડ પર લટક્તી હાલતમાં હતી તે જોતાં આત્મહત્યા કરી હોવાનું પ્રથમ નજરે લાગતું. જો કે પોલીસે આ સાથે અન્ય બાબતોની ઝીણવટભરી તપાસ કરતાં હત્યા થઈ હોવાની પણ શંકા થઈ. મહિલાના રહસ્યમય મોત મામલે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. સિદ્ધપુર પોલીસે હાલમાં અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.