સિદ્ધપુરમાં લૂંટેરી દુલ્હન યુવક સાથે લગ્ન કરી ત્રીજા જ દિવસે લાખો રૂપિયા લઇ ફરાર

સિદ્ધપુર તાલુકાના આંકવી ગામના 31 વર્ષના એક યુવાનને અજાણી યુવતી સાથે મૈત્રીકરાર કરી લગ્ન કરવાનું ભારે પડી ગયું હતું. આ યુવતી અને તેના દલાલ સહિત અન્યો લગ્નના માત્ર ત્રણ દિવસમાં જ યુવાનને વિશ્વાસમાં લઈ ફરી સાથે વિશ્વાઘાત તેમજ છેતરપીંડી કરી યુવાન પાસેથી રૂ. 2,00,000 રોકડા તથા સોનાનું મંગળસૂત્ર આશરે દોઢ તોલાનું, સોનાની બુટ્ટી તથા સોનાની ચુની તથા પગની ચાંદીની શેરો વિગેરે જેની કિંમત રૂપિયા 1,12,000 મળી કુલ કિં.રૂ. 3,17,000 લઈ ફરાર થઈ ગયા હતા.

આ અંગેની મળતી માહિતી મુજબ સિધ્ધપુર તાલુકાના આંકવી ગામે રહેતા કેતનકુમાર સુરેશભાઈ મોહનદાસ પટેલ ઉ.વ.31 અને તેમના પિતા સુરેશભાઈ સાથે સુરત ખાતે જતા હતા. ત્યારે તેમની બાજુમાં બેઠેલા એક વ્યક્તિ આ પિતા- પુત્રની વાતમાં વચ્ચે બોલતા કહેલ કે, તમારા લગ્ન ન થયેલ હોય તો અહીં સુરતમાં એક રોહીત નામની વ્યક્તિ છે જે તમારા લગ્ન માટે કન્યા લાવી આપશે તમારે તેને મળવુ હોય તો તેનો મોબાઇલ નંબર મારી પાસે છે તેમ કહીને તેણે આપેલા નંબર પર કેતન પટેલે ફોન કરીને કહેલ કે, અમારા સમાજમાં કન્યાની અછત હોઈ મને કન્યા ન મળવાના કારણે હું કુંવારો છું.

કોઇપણ સમાજની કન્યા હોય તો બતાવજો મારે લગ્ન કરવા છે ત્યારે રોહીતએ કેતનને કહેલ કે, અમારા સબંધીમાં એક કન્યા છે જેના લગ્ન કરવાના છે તમારે માટે એક કન્યા હોવાનું જણાવતાં કેતન અને તેનાં પિતાએ તા.22-8-23નાં રોજ સુરતમાં રહેતી અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી ઉષા નામની યુવતિ સાથે લગ્ન કરવા રોહિતે બે લાખ આપવાની શરત મૂકતાં લગ્નનું નક્કી કરીને તા. 23-8-2023નાં રોજ ઉષા અને કેતનનાં પરિવારોએ સિધ્ધપુર આવીને વકીલ પાસે મૈત્રી કરાર લેખ કરાવ્યો હતો ને દલાલ રોહિતને રૂા. બે લાખ રોકડા અને ઉષાને રૂા.1,10000નાં મંગળસુત્ર અને સોનાનાં દાગીના આપ્યા બાદ તેઓ સિધ્ધપુર હાઇવે પરની એક હોટલમાં જમવા ગયા હતા.

તા. 26-8-2023નાં રોજ કેતન અને તેની નવોઢા પત્ની ઉષા બંને જણા કેતનની બહેનને મળવા વિસનગર ગયેલાને ત્યાંથી પાછાં આવતાં ઊંઝા બસ સ્ટેશનમાં ઉતરતાં પત્ની ઉષાએ કેતનને કહેલ કે, તેને ઉલટી થાય છે. તે પાણીની બોટલ લઇ આવો તેમ કહેતાં કેતન બોટલ લેવા ગયોને પરત આવતાં ઉષા ત્યાં હાજર નહીં મળતાં તેની શોધખોળ કરતાં તે મળી આવી નહોતી આથી તેઓને પોતે છેતરાયા હોવાનું જણાતાં તેમણે પોલીસ મથકે ફરીયાદ નોધાવતાં પોલીસે આઇપીસી 406/ 420 મુજબ ઉષાબેન રમેશભાઇ પંડિત રે. આંબેડકર નગર, ઔરગાબાદ, મહારાષ્ટ્ર તથા રોહિત વાનખેડે રે. સૂરતવાળા સામે ગુનો નોંધ્યો હતો.