
મુંબઇ,
ટીમ ઈન્ડિયાએ ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરીઝની છેલ્લી અને નિર્ણાયક ત્રીજી T20 મેચમાં ન્યૂઝીલેન્ડને ૧૬૮ રને હરાવી દીધું હતું. ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને ૬૬ રનમાં જ ઓલઆઉટ કરી દીધું હતું. ટીમ ઈન્ડિયાની આ જીતનો હીરો ૨૩ વર્ષીય શુભમન ગિલ હતો. વન-ડેમાં છેલ્લી ૪ મેચમાંથી ૩ મેચમાં સદી ફટકારનાર ગિલ પહેલી ૨ ટી ૨૦ મેચમાં ખાસ પ્રદર્શન કરી શક્યો નહિ, જોકે તેણે ત્રીજી T20 માં સદી ફટકારી હતી. તેણે ૧૨૬* રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. ગિલ આ સાથે જ ભારત તરફથી T20 માં મેચમાં સૌથી વધુ રન બનાવનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે વિરાટ કોહલી (૧૨૨ રન)નો રેકોર્ડ તોડ્યો છે.
શુભમન ગિલ હવે ટી ૨૦ ફોર્મેટમાં ભારત તરફથી સૌથી યુવા વયે સદી ફટકારનાર પ્લેયર બની ગયો છે. તેણે આ મામલે સુરેશ રૈનાનો રેકોર્ડ તોડ્યો છે. ગિલે ૨૩ વર્ષ અને ૧૪૬ દિવસે સદી ફટકારી દીધી છે.
શુભમન ગિલે ગઈકાલે T20 મેચમાં ૧૨૬* રન બનાવતાંની સાથે જ ભારતીય બેટર્સનો ટી ૨૦માં ૧૩મો સદીવીર બની ગયો છે. આ લિસ્ટમાં રોહિત શર્મા સૌથી આગળ છે. તેણે કુલ ચાર સેન્ચુરી ફટકારી છે. ઓવરઓલ ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો ગિલ ૧૪મો ભારતીય બેટર બની ગયો છે. વુમન્સ ક્રિકેટમાંથી હરમનપ્રિત કૌરે પણ સદી ફટકારી છે.
શુભમન ગિલ શાનદાર ફોર્મમાં છે, તેનો અંદાજો એ વાત પરથી આવી જાય છે કે તેણે છેલ્લા ૬ મહિનામાં ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી દીધી છે. તે ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો ભારતનો પાંચમો અને દુનિયાનો ૨૧મો બેટર બની ગયો છે. ગિલની પહેલાં સુરેશ રૈના, રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ આવું પરાક્રમ કરી ચૂક્યા છે.
શુભમન ગિલ ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારનારો દુનિયાનો બીજો સૌથી યુવા વયનો પ્લેયર બની ગયો છે. પાકિસ્તાનનો મોહમ્મદ શહેઝાદે ૨૨ વર્ષ અને ૧૨૭ દિવસની ઉંમરે આ ઉપલબ્ધિ મેળવી હતી. ગિલે આ પરાક્રમ ૨૩ વર્ષ અને ૧૪૬ દિવસમાં કર્યું હતું.