ગુજરાત ટાઈટન્સે આઈપીએલ ૨૦૨૩ની એક રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને ૬ વિકેટથી હરાવી દીધી. મોહાલીમાં રમાયેલી મેચમાં પંજાબે ગુજરાતને જીતવા માટે ૧૫૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને ચાર વિકેટ ગુમાવીને ગુજરાતે મેળવી લીધો. ગુજરાતની જીતનો હીરો ઓપનર શુભમન ગિલ રહ્યો જેણે ૬૭ રનની શાનદાર ઈનિંગ રમી. રાહુલ તેવતિયાએ મેચની છેલ્લી ઓવરમાં પાંચમા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી. ૧૫૪ રનનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમના ઓપનર ૠદ્ધિમાન સાહા અને શુભમન ગિલે ટીમને શાનદાર શરૂઆત અપાવી. પહેલી વિકેટ માટે ૪.૪ ઓવરમાં ૪૮ રન કર્યા. સાહા ૧૯ બોલમાં ૩૦ રન કરીને આઉટ થયો. ત્યારબાદ સાઈ સુદર્શને મોરચો સંભાળ્યો. બીજી વિકેટ માટે ૪૧ રન જોડાયા. સુદર્શન ૨૦ બોલમાં ૧૯ રન કરીને અર્શદીપની બોલિંગમાં આઉટ થયો. હાદક પંડ્યા પણ જલદી આઉટ થઈ ગયો. ત્યારે ટીમ ૩ વિકેટે ૧૦૬ રન પર હતી. મિલર અને ગિલે ૪૮ રનની મહત્વની ભાગીદારી કરીને જીત સુનિશ્ર્ચિત કરી જો કે છતાં મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી. ગુજરાતને સાત રનની જરૂર હતી ત્યારે સેમ કુરેને છેલ્લી ઓવર ફેંકી જેમાં પહેલા બોલે ડેવિડ મિલરે એક રન લીધો અને બીજા બોલે કુરેને શુભમન ગિલને બોલ્ડ કર્યો. જો કે છેલ્લે તેવતિયાએ ચોગ્ગો મારીને જીત અપાવી.
ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ખુબ ખરાબ રહી. મેચના બીજા જ બોલે પ્રભસિમરન સિંહ ૦ રને આઉટ થઈ ગયો. સમયાંતરે વિકેટો પડતી રહી અને પંજાબની ટીમ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૮ વિકેટના નુક્સાન પર ૧૫૩ રન બનાવી શકી. ગુજરાતની ટીમને ૧૫૪ રનનો લક્ષ્યાંક મળ્યો જે ગુજરાતની ટીમે મેળવીને જીત હાંસલ કરી.