શું તમે વાજબી ભાવની દુકાનેથી અનાજ નથી લેતા અને તેમ છતાં પણ તમારા નંબર પર અનાજ લીધાનો મેસેજ આવે છે, તો તાત્કાલિક પંચમહાલ જીલ્લા પુરવઠા વિભાગનો સંપર્ક કરવા કરાયો અનુરોધ

  • અનાજમાં થતી ગેરરિતી અટકાવવા પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારીએ શરૂ કર્યું અભિયાન, 9409142404 નંબર પર સંપર્ક કરી શકાશે.

ગોધરા,રાજ્ય સરકાર દ્વારા “રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013” રાજયમાં વર્ષ 2016થી અમલમાં છે. જે અંતર્ગત તમામ અંત્યોદય(એ.એ.વાય.) રેશનકાર્ડધારકો, બી.પી.એલ. અને એ.પી.એલ. રેશનકાર્ડધારકોને એન.એફ.એસ.એ. હેઠળ સમાવેશ કરવામાં આવેલ છે. જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રાજયની તમામ વાજબી ભાવની દુકાનોમાં અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના તા.01/03/2018ના પરિપત્રથી તા.31/03/2018 થી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વિપરીત થતી આવશ્યક ચીજ વસ્તુઓનું વિતરણ જે તે સંબંધિત રેશનકાર્ડ ધારકના આધારના ડેટા સાથે મેચ કરીને એટલે કે આધારના ડેટાથી ઓળખ પ્રસ્થાપિત કરીને કરવાનું રહે છે.જે અંતર્ગત તમામ પ્રકારના એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકોના બાયોમેટ્રિક આધાર સાથે મોબાઇલ નંબર લીંક કરવામાં આવેલ હોય, તેવા રેશનકાર્ડ ધારકને દર માસે અનાજ માટેનો મેસેજ આવતા હશે.

પંચમહાલ જીલ્લામાં જો તમો સરકાર માન્ય વાજબી ભાવની દુકાન પર અનાજ લેવા જતા ન હોય કે કોઇ કારણસર અનાજ મેળવતાં ન હોય કે અગાઉ પણ સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ખાતેથી અનાજ લીધેલ ન હોય તેમ છતા તમારા મોબાઇલ પર તમારા નામે અનાજ ઉપડેલ છે તેવો મેસેજ આવેલ હોય અથવા હવે પછી મેસેજ આવે તો એચ.ટી.મકવાણા, જીલ્લા પુરવઠા અધિકારી, પંચમહાલ ગોધરાનો સંપર્ક સાધવા અથવા તેમના મોબાઇલ નંબર 9409142404 પર વોટસઅપ પર ખાનગી રાહે મેસેજ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

આ સાથે વોટસઅપ પર મેસેજ ન કરો તો રૂબરૂ કચેરીમાં આવીને માહિતી આપી શકાશે.માહિતી આપનારની તમામ વિગતો ખાનગી રાખવામાં આવશે.તેમ પંચમહાલ જીલ્લા પુરવઠા અધિકારી એચ.ટી.મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.