
ગોવાહાટી, સેન્ટ્રલ વિસ્ટાનું કામ પૂર્ણ થયા બાદ હવે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની તૈયારીઓ કરવામાં આવી રહી છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ મેના રોજ સંસદ ભવનનું ઉદ્ઘાટન કરશે. જો કે આ મોટા સમારોહ પહેલા રાજકીય વિવાદ પણ શરૂ થઈ ગયો છે. કોંગ્રેસ સહિત ૧૯ વિરોધ પક્ષોએ સામૂહિક રીતે બહિષ્કારની જાહેરાત કરી છે અને કહ્યું છે કે સરકારે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપીને લોકશાહીનું અપમાન કર્યું છે.
ભાજપના તમામ નેતાઓ આ અંગે વિપક્ષી પાર્ટીઓને ઘેરી રહ્યા છે, હવે આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ આ અંગે મોટું નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પૂછ્યું છે કે શું આ વિરોધ પક્ષો રામ મંદિરના ઉદ્ઘાટનનો વધુ વિરોધ કરશે?
પોતાના નિવેદનોને કારણે હેડલાઈન્સમાં રહેનાર હિમંતા બિસ્વા સરમાએ સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર થયેલા હંગામા વચ્ચે આ ટ્વિટ કર્યું છે. આ ટ્વિટમાં તેમણે લખ્યું- શું કહેવાતા વિરોધ પક્ષો રામ મંદિરના ઉદ્ઘાટનનો પણ બહિષ્કાર કરશે?
ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધનએ વિરોધ પક્ષોનો બહિષ્કાર કરવા બદલ તેની નિંદા કરી અને તેના પગલાને ભારતના લોકશાહી નીતિ અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન ગણાવ્યું. એનડીએ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે, રાષ્ટ્રીય લોક્તાંત્રિક ગઠબંધન (એનડીએ)ની પાર્ટી, નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના ૧૯ રાજકીય પક્ષોના તિરસ્કારપૂર્ણ નિર્ણયની સ્પષ્ટપણે નિંદા કરીએ છીએ. આ માત્ર અપમાનજનક નથી પરંતુ રાષ્ટ્રના લોક્તાંત્રિક સિદ્ધાંતો અને બંધારણીય મૂલ્યોનું ઘોર અપમાન છે.
કોંગ્રેસ સહિત ૧૯ વિપક્ષી દળોએ ૨૮ મેના રોજ યોજાનાર ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. વિરોધ પક્ષોએ માંગ કરી છે કે ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી નહીં પરંતુ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરવામાં આવે. સરકાર પર રાષ્ટ્રપતિ મુર્મુને સંપૂર્ણપણે બાજુ પર રાખવાનો આરોપ લગાવતા, ૧૯ પક્ષોએ એક નિવેદનમાં કહ્યું છે કે જ્યારે લોકશાહીનો આત્મા છીનવી લેવામાં આવ્યો છે ત્યારે તેઓને નવી ઇમારતનું કોઈ મૂલ્ય દેખાતું નથી.