એક બાજુ બોલીવુડ સ્ટાર સુશાંતસિંહ રાજપુતનાં મોતને એઈમ્સની ફોરેન્સીક ટીમ આત્મહત્યાનો કેસ જાહેર કરી ચુકી છે.ત્યારે બીજી બાજુ સૂશાંતનાં બેન્ક ખાતાનાં ફોરેન્સીક ઓડીટ રિપોર્ટમાં એકટર સુશાંતે માત્ર 5 વર્ષમાં અધધધ રૂા.70 કરોડની કમાણી કરી હોવાનો ખુલાસો થયો છે તેમાં રૂા.55 લાખ માત્ર રિયા ચક્રવર્તી માટે વાપર્યા હતા. ઉપરાંત મોટાભાગનાં પૈસા સુશાંતે સ્પા, ટ્રાવેલ અને ભેટ આપવામાં ખર્ચ્યા હોવાનો પર્દાફાશ થયો છે.
સુશાંતનાં ફોરેન્સીક ઓડીટ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ કડી નથી મળી 5 વર્ષમાં કુલ રૂા.70 કરોડની લેવડ-દેવડ ટ્રાન્ઝેકશન થયા છે. ઉલ્લેખનીય છે કે સુશાંતનાં પિતા કે.કે.સિંહે રીયા સામે રૂા.15 કરોડની છેતરપીંડીનો કેસ કર્યો હતો. જેના આધારે ઈડીએ રીયા સામે મની લોન્ડ્રીગનો કેસ કર્યો હતો.
જયારે સુત્રોના જણાવ્યા પ્રમાણે આ રિપોર્ટ સીબીઆઈ દ્વારા જાહેર થયો છે તેમાં એ કયાંય સાબિત નથી થતુ કે રિયાએ સુશાંતના પૈસાનો તેના કે તેના પરિવાર માટે ઉપયોગ કર્યો હતો. સુશાંતની જાણકારીમાં આ બધો ખર્ચ થયો હતો જોકે સુશાંતનાં ખાતાને લઈને હજુ વધુ જાણકારી જાહેર થવી બાકી છે. રિપોર્ટમાં ટ્રાન્ઝેકશનની અપાયેલી જાણકારી મુજબ 90 દિવસમાં રૂા.3.24 કરોડનું ટ્રાન્ઝેકશન સુશાંતનાં ખાતામાં થયુ હતું.