શું નિરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુ ઓબીસી છે? ભાજપના આરોપો સામે કોંગ્રેસના ગેહલોતનો પ્રચંડ પ્રહાર

નવીદિલ્હી, મોદી અટક પર કરેલી ટિપ્પણી બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માનહાનિના કેસમાં દોષી ઠર્યા બાદ તેમને સંસદ પદ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. જે બાદ સમગ્ર દેશમાં રાજકારણ ગરમાયું છે. આગામી ૬ એપ્રિલથી ભાજપ દેશભરમાં અભિયાન ચલાવવા જઈ રહી છે. જેમાં તે જનતાની વચ્ચે જઈને જણાવશે કે, રાહુલ ગાંધીએ ઓબીસીનું અપમાન કર્યું છે. એવામાં ભાજપના આરોપ પર કોંગ્રેસ નેતા અશોક ગહેલોતે પલટવાર કર્યો છે.

અશોક ગહેલોતે જણાવ્યું કે, કોંગ્રેસે પછાત વર્ગ માટે ઘણું બધુ કર્યું છે. જેનું ઉત્તમ ઉદાહરણ તમારી સામે જ છે કે, પાર્ટીએ મારા જેવા ઓબીસી નેતાને ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવ્યા છે. શું કોઈ ભૂલી શકે છે કે, કોંગ્રેસે ઓબીસી, એસસી અને એસટી માટે કેટલું કર્યું છે. મને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવ્યો, હું ઓબીસી માળી સમાજમાંથી આવું છું. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પણ ઓબીસી સમાજમાંથી આવે છે. હવે ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ ઓબીસી અપમાનનો મુદ્દો ચગાવી રહી છે. જે તદ્દન નિરાધાર છે.

અશોક ગહેલોતે સવાલ કર્યો કે, શું નિરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુ ઓબીસી છે? તમે (ભાજપ) નીરવ મોદી અને લલિત મોદી જેવા ભાગેડુઓને બચાવી રહ્યાં છો અને પછી કહી રહ્યાં છો કે, રાહુલ ગાંધીએ ઓબીસીનું અપમાન કર્યું છે.

૨૦૧૭માં જ્યારે ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર ભાળી ગયું હતુ, ત્યારે પણ નરેન્દ્ર મોદીએ ત્યાં કોંગ્રેસ વિરુદ્ધ ઓબીસીનો દાંવ રમ્યો હતો. ભાજપ આજે ફરીથી ઓબીસીને ગેરમાર્ગે દોરવા માટે અભિયાન ચલાવવા માંગે છે.