શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન કરે છે?

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સે ગઠબંધન કરી લીધું. આ પછી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઠબંધનને લઈને રાહુલ ગાંધીને ૧૦ પ્રશ્નો પૂછ્યા છે. અમિત શાહે રાહુલ ગાંધીને પૂછ્યું કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ-કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ ના નેશનલ કોન્ફરન્સના વચનનું સમર્થન કરે છે? ગૃહમંત્રી અમિત શાહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ એકસ પર આ પ્રશ્ર્નો પૂછ્યા છે.

ગૃહમંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે સત્તાના લોભમાં દેશની એક્તા અને સુરક્ષા સાથે વારંવાર ખેલ ખેલનાર કોંગ્રેસ પાર્ટીએ ફરીથી ’નેશનલ કોન્ફરન્સ’ સાથે ગઠબંધન કરીને પોતાના ઈરાદાઓ દેશ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે. જમ્મુ-કાશ્મીરની ચૂંટણીમાં અબ્દુલ્લા પરિવારને રાખવામાં આવ્યો છે. આ અંગે તેમણે રાહુલ ગાંધી અને કોંગ્રેસને ૧૦ પ્રશ્ર્નો પૂછ્યા છે

શાહે સવાલ પુછયા છે કે શું કોંગ્રેસ ફરીથી જમ્મુ અને કાશ્મીરમાં ’અલગ ધ્વજ’ના નેશનલ કોન્ફરન્સના વચનને સમર્થન આપે છે?

શું રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી કલમ ૩૭૦ અને કલમ ૩૫છ પાછી લાવીને જમ્મુ અને કાશ્મીરને અશાંતિ અને આતંકવાદના યુગમાં ધકેલવાના નિર્ણયને સમર્થન આપે છે?

શું કોંગ્રેસ કાશ્મીરના યુવાનોના ભોગે પાકિસ્તાન સાથે વાત કરીને ફરીથી અલગતાવાદને પ્રોત્સાહન આપવાનું સમર્થન કરે છે?

શું કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી ફરીથી પાકિસ્તાન સાથે ’એલઓસી વેપાર’ શરૂ કરવાના નેશનલ કોન્ફરન્સના નિર્ણયથી સરહદ પારના આતંકવાદ અને તેના ઇકોસિસ્ટમને પોષવાને સમર્થન આપે છે?

શું કોંગ્રેસ આતંકવાદ અને પથ્થરમારાની ઘટનાઓમાં સામેલ લોકોના પરિવારોને સરકારી નોકરીઓ પુન:સ્થાપિત કરીને આતંકવાદ, આતંક અને બંધનો યુગ પાછો લાવવાનું સમર્થન કરે છે?

આ ગઠબંધનથી કોંગ્રેસ પાર્ટીનો અનામત વિરોધી ચહેરો સામે આવ્યો છે. શું કોંગ્રેસ દલિતો, ગુર્જરો, બકરવાલ અને પહાડીઓનું આરક્ષણ સમાપ્ત કરીને ફરીથી અન્યાય કરવાના વચનને અનુરૂપ છે?

શું કોંગ્રેસ ઈચ્છે છે કે ‘શંકરાચાર્ય પર્વત’ને ‘તખ્ત-એ-સુલીમાન’ અને ‘હરિ પર્વત’ને ‘કોહ-એ-મારન’ તરીકે ઓળખવામાં આવે?

શું કોંગ્રેસ જમ્મુ અને કાશ્મીરની અર્થવ્યવસ્થાને ફરી એકવાર ભ્રષ્ટાચારની આગમાં અને પાકિસ્તાન દ્વારા સમર્થિત કેટલાક પરિવારોના હાથમાં સોંપવામાં સમર્થન કરે છે?

શું કોંગ્રેસ પાર્ટી જેકેએનસીની જમ્મુ અને ખીણ વચ્ચેના ભેદભાવની રાજનીતિને સમર્થન આપે છે?

શું કોંગ્રેસ અને રાહુલ ગાંધી જેકેએનસીની વિભાજનકારી વિચારસરણી અને કાશ્મીરને સ્વાયત્તતા આપવાની નીતિઓને સમર્થન આપે છે?

તમને જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોક્સભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં નેશનલ કોન્ફરન્સે કોંગ્રેસ સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. આ પછી ફારુક અબ્દુલ્લાએ કહ્યું, બેઠક ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. ગઠબંધન ટ્રેક પર છે અને ભગવાનની કૃપાથી તે આગળ પણ ચાલુ રહેશે. હવે તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. તમામ ૯૦ બેઠકો માટે ગઠબંધન કરવામાં આવ્યું છે.