- પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની જીભ લપસી
- અરવલ્લીના બાયડમાં કોંગ્રેસની સભામાં લપસી જીભ
- 5 તારીખે પણ ભાજપના કમળ પર મતદાન આપજોઃ શંકરસિંહ
- પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાના પ્રચારમાં આવ્યા હતા શંકરસિંહ વાઘેલા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન આગામી 5મી ડિસેમ્બરના રોજ થવાનું છે. ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના નેતાઓ ઉપરા છાપરી સભાઓ ગજવી રહ્યા છે અને મતદારોને આકર્ષવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. એવામાં ગતરોજ અરવલ્લીના બાયડ ખાતે નિવેદન આપતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ભાંગરો વાટ્યો હતો.
‘કમળ પર મતદાન કરી કોંગ્રેસના વિજયની વાત કરી’
બાયડ ખાતે મીડિયા સમક્ષ વાતચીત કરતી વખતે શંકરસિંહ વાઘેલાની જીભ લપસી હતી. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પાંચમી તારીખે લોકો એન્ટી બીજેપી મતદાન કરશે અને કોંગ્રેસને બહુમતી આપશે એવો મને લોકો પર વિશ્વાસ છે. ભાજપવાળા ગમે એટલા પ્રયાસો કરે, ગમે એટલી વિકાસની વાતો કરે, ગમે એટલા રોડ શો કરે પણ ગુજરાતનો મતદાર છેતરાવાનો નથી. પાંચમી તારીખે પણ કમળ ઉપર મતદાન આપીને કમળના ઉમેદવારોને જાકારો આપીને કોંગ્રેસાન ઉમેદવારોને વિજયી બનાવે તેવી આપ સૌને હું વિનંતી કરું છું.’
બાયડમાં ચોપાંખીયો જંગ ખેલાશે
આપને જણાવી દઈએ કે, ઉત્તર ગુજરાતના અરવલ્લી જિલ્લાની બાયડ વિધાનસભા બેઠક રાજકીય દ્રષ્ટિએ ખાસ ગણાય છે. આ બેઠકે રાજકીય રીતે અનેક ઉતાર-ચઢાવ જોયા છે. બાયડ હંમેશાથી કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ વખતે આ બેઠક પર ચોપાંખીયો જંગ ખેલાવાનો છે. ભાજપે આ બેઠક પરથી ભીખીબેન પરમારને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે મહેન્દ્રસિંહ વાઘેલા અને આમ આદમી પાર્ટીએ ચૂનીભાઈ પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. તો ધવલસિંહ ઝાલા પણ અપક્ષ ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે. આ વખતેની ચૂંટણીમાં જનતા કોને સાથ આપશે અને કોને જાકારો આપશે તે જોવાનું રહેશે.