શું અમિત શાહ લોક્સભામાં ખોટું બોલ્યા? મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયુ

  • કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોક્સભામાં બુંદેલખંડની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો.

નવીદિલ્હી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે લોક્સભામાં બુંદેલખંડની કલાવતીનો ઉલ્લેખ કર્યો હતો. રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી કલાવતીના ઘરે ભોજન લેવા ગયા હતા, ત્યારબાદ તેમણે ગૃહમાં ગરીબી વર્ણવી હતી. આ પછી તેમની સરકાર ૬ વર્ષ ચાલી, પણ હું પૂછું છું કે તેમની સરકારે એ ગરીબ મહિલા કલાવતી માટે શું કર્યું? કલાવતીને ઘર, વીજળી, ગેસ, શૌચાલય, અનાજ, આરોગ્ય આપવાનું કામ પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું. પરંતુ અમિત શાહનો આ દાવો ખોટો છે. કલાવતીએ પોતે આ ખુલાસો કર્યો છે. અમિત શાહે લોક્સભામાં તેનો ઉલ્લેખ કર્યા પછી કલાવતી સતત હેડલાઇન્સમાં છે. હવે તેમણે અમિત શાહના દાવા પર પોતાનો જવાબ આપ્યો છે.

મહારાષ્ટ્રના યવતમાલની રહેવાસી કલાવતી બાંદુરકરે અમિત શાહને જવાબ આપતા કહ્યું કે મને ભાજપ-મોદી સરકાર તરફથી કંઈ મળ્યું નથી, પરંતુ રાહુલ ગાંધીના કારણે મારું જીવન બદલાઈ ગયું છે. કલાવતીએ કહ્યું કે રાહુલ ગાંધીના કારણે જ તે સન્માન સાથે જીવી શકી છે. એ જ કોંગ્રેસે મને તમામ સવલતો આપી. મોદી સરકારે મને કશું આપ્યું નથી. કલાવતીએ કહ્યું કે સંસદમાં જેમણે પણ વાત કરી છે તે સંપૂર્ણ જૂઠ છે.

કોંગ્રેસે કલાવતીનો વીડિયો ટ્વીટ કર્યો છે. આ વીડિયો બીબીસીનો છે. જેમાં કલાવતી મરાઠીમાં કહેતી જોવા મળે છે કે રાહુલ ગાંધીએ મારું જીવન બદલી નાખ્યું છે, મોદી સરકારે મને કશું આપ્યું નથી. યવતમાલ જિલ્લાના મારેગાંવ તાલુકાના જલકા ખાતે આત્મહત્યા પીડિતાના પરિવારની ખેડૂત કલાવતી બાંદુરકરે કહ્યું કે રાહુલ ગાંધીએ તેમને ત્રણ લાખ રૂપિયા આપ્યા. બેંકમાં ૩૦ લાખ રૂપિયાની એફડી કરાવી હતી. રાહુલ ગાંધીના આગમન બાદ મને ઘર, વીજળી, પાણી અને અન્ય સુવિધાઓ મળી. ખબર છે કે જ્યારે રાહુલ ગાંધી કલાવતીના ઘરે ગયા હતા ત્યારે તેમના ઘરની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. કલાવતીના પતિએ આત્મહત્યા કરી લીધી હતી. કલાવતીના પુત્ર પ્રિતમ બાંદુરકરે જણાવ્યું કે અમે સાત બહેનો અને બે ભાઈઓ હતા. પપ્પા ગુજરી ગયા હતા. અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. અમે ખેતરોમાં કામ કરીને જીવતા હતા. પરંતુ રાહુલ ગાંધીના આગમન બાદ અમારી સ્થિતિમાં સુધારો થયો.

બીજી તરફ સંસદમાં અવિશ્ર્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું હતું કે મોદી સરકારે કલાવતીને વીજળી, ઘર, શૌચાલય, ભોજન અને આરોગ્ય જેવી તમામ સુવિધાઓ પૂરી પાડી છે. પરંતુ હવે કલાવતીએ આખું સત્ય કહ્યા બાદ અમિત શાહ લોક્સભામાં ખોટું બોલ્યા તે સાબિત થયું છે. આ માટે વિપક્ષી પાર્ટી તેમના પર પ્રહારો કરી રહી છે.