શ્રીનગર,
રાહુલ ગાંધીએ શ્રીનગરમાં કોંગ્રેસ હેડક્વાર્ટર ખાતે તિરંગો ફરકાવીને ભારત જોડો યાત્રાને સમાપ્ત કરી હતી. શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં રાહુલ ગાંધીએ કાર્યકરોને સંબોધન કર્યું છે. રાહુલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે દેશની શક્તિ કાશ્મીરના લોકોની સાથે છે. ભારત જોડો યાત્રાથી મને ઘણુંબધું શીખવા મળ્યું છે.
હું જમ્મુ-કાશ્મીરના લોકો અને સેનાને કંઈક કહેવા માગું છું. હું હિંસાને સમજું છું. મેં હિંસા સહન કરી છે, જોઈ છે. જેમણે હિંસાને સહન ન કરી હોય, જેમણે હિંસા જોઈ ન હોય તેમને આ વાત સમજાશે નહીં, જેમ કે મોદીજી છે, અમિત શાહજી છે, સંઘના લોકો છે, તેમણે હિંસા જોઈ નથી. તેઓ ડરી રહ્યા છે. રાહુલે વધુમાં કહ્યું હતું કે અમે અહીં ૪ દિવસ સુઘી પગપાળા ચાલ્યા. હું ગેરંટી આપું છું કે ભાજપનો એકપણ નેતા અહીં પગપાળા નહીં ચાલી શકે. તેઓ ડરે છે. શ્રીનગરમાં ભારે હિમવર્ષા વચ્ચે સંબોધન દરમિયાન રાહુલ ગાંધી ભાવુક થયા હતા. તેમણે કહ્યું- કાશ્મીરવાસીઓ અને સેનાની જેમ મેં પોતાનાઓને ગુમાવ્યાની પીડા સહન કરી છે, મોદી-શાહ આ દર્દ સમજી શકશે નહીં.
મેં વિચાર્યું કે જેઓ મને નફરત કરે છે, તેમને એક તક આપું કે તેઓ મારી સફેદ ટી-શર્ટનો રંગ બદલીને લાલ કરી દે. મારા પરિવારે મને શીખવ્યું છે કે જો જીવવું છે તો ડર્યા વિના જીવો, નહીં તો જીવવું નહીં. મેં વિચાર્યું, હું ચાર દિવસ અહીં ચાલીશ, મારી ટી-શર્ટનો રંગ લાલ કરી દેશે. જોયું જાશે, પણ મેં જે વિચાર્યું હતું એ જ થયું. જમ્મુ-કાશ્મીરના લોકોએ મને હેન્ડ ગ્રેનેડ નહીં, પણ દિલ ખોલીને પ્રેમ આપ્યો. મને ગળે લગાવ્યો છે.
રાહુલે વધુમાં જણાવ્યું હતું કે ભારત જોડો યાત્રા દરમિયાન ગરીબ બાળકોને જોઈને મેં જાકીટ પહેરવાનું છોડી દીધું. મહિલાઓ મને જોઈને રડી પડતી હતી. રાહુલે કહ્યું, હું કન્યાકુમારીથી ચાલતો નીકળ્યો હતો અને લોકો આખા દેશમાં ચાલ્યા. સાચું કહું તો મને લાગતું હતું કે કન્યાકુમારીથી કાશ્મીર સુધી ચાલવામાં મુશ્કેલી નહીં થાય. કન્યાકુમારીથી ૫-૭ દિવસ ચાલ્યા પછી જબરદસ્ત તકલીફ પડી. હું વિચારવા લાગ્યો કે ૩૫૦૦ કિલોમીટર હું ચાલી શકીશ કે નહીં? મને જે સરળ લાગતું હતું એ ખૂબ જ મુશ્કેલ બન્યું છતાં પણ મેં આ કાર્ય પૂર્ણ કર્યું.તેમણે કહ્યું કે, તમે કાશ્મીર કહો છો, તેને હું પોતાનું ઘર માનું છું. શું હવે આ કાશ્મીરિયત છે? એ જો એક તરફ શિવજીના વિચાર છે અને થોડા ઊંડાણમાં જઇશું તો મિત્રોની શૂન્યતા કહી શકાય છે. પોતાની જાત પર, પોતાના અહંકાર પર, વિચારો પર આક્રમણ કરવાનું. બીજી તરફ ઇસ્લામમાં જેને શૂન્યતા કહેવામાં આવે છે, ફના ત્યાં કહેવામાં આવે છે. વિચાર એ જ છે. તેમણે કહ્યું કે, ’ઇસ્લામમાં ફનાનો અર્થ પોતાના ઉપર આક્રમણ, પોતાના વિચાર ઉપર આક્રમણ છે.રાહુલે કહ્યું, હું જે કહી રહ્યો છું તે મોદીજી અને અમિત શાહજીને સમજાશે નહીં. આ વાત કાશ્મીરવાસીઓ સમજાશે, સેનાના પરિવારજનો સમજાશે. હું ૧૪ વર્ષનો હતો. તેમણે મને કહ્યું, દાદીને ગોળી વાગી ગઈ છે. પછી મને ગાડીમાં લઈ ગયા. મને શાળામાંથી ઉઠાડી લેવામાં આવ્યો. પછી મેં તે જગ્યા જોઈ, જ્યાં દાદીમાંને ગોળી મારવામાં આવી હતી. મારા પિતા આવ્યા, માતા આવ્યા, ત્યારે માતા બોલી પણ શક્તા નહોતા. અમે હિંસા જોઈ છે. જેઓ હિંસા કરાવે છે, મોદીજી છે, અમિત શાહજી છે, ડોભાલ જી છે…તેઓ આ દુખને સમજી શકશે નહીં. અને પીડાને સમજી શકીએ છીએ. જેમણે પોતાનાઓને ગુમાવે છે તેમના દિલ પર શું વીતે છે, ફોન આવે ત્યારે કેવું લાગે છે, તે હું સમજું છું, મારી બહેન સમજે છે.
રાહુલે કહ્યું, હું યાત્રામાં ચાલી રહ્યો હતો, ૪ બાળકો આવ્યા. તેઓ ભીખ માંગતા હતા. તેની પાસે કપડાં નહોતા. મેં તેમને ગળે લગાવ્યા, મારી સાથે ચાલી રહેલા એક વ્યક્તિએ કહ્યું કે આ બાળકો ગંદા છે, તેમની નજીક ન જવું જોઈએ. મેં તેમને કહ્યું કે બાળકો તમારા અને મારા કરતાં પણ વધુ સ્વચ્છ છે.આ પહેલા શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રિયંકા ગાંધીએ સંબોધન કરતા કહ્યું- દરેક ભારતીય દેશમાં એક્તા અને શાંતિ ઈચ્છે છે. જેઓ નફરતનું રાજકારણ કરે છે, તેમનાથી દેશનું ભલું થઈ શકે નહીં. સંબોધન વચ્ચે જ્યારે અઝાનનો સમય થયો ત્યારે તેમણે ભાષણ અટકાવી દીધું હતું.
આ યાત્રા ૧૪૫ દિવસ પહેલા ૭ સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરુ થઈ હતી. શ્રીનગરમાં હિમવર્ષા થઈ રહી છે. તે છતાં પણ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ અહીં અલગ અંદાજમાં જોવા મળ્યા છે. તેમણે બહેન પ્રિયંકા સાથે હિમવર્ષાની મજા માણી છે. બંને એકબીજા પર બરફ ફેંક્તા નજરે પડ્યા હતા. રાહુલ શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં બપોરે પાર્ટી કાર્યર્ક્તાઓને સંબોધન કર્યું છે.