શ્રીનગરમાં ૨૨-૨૪ મે દરમિયાન જી-૨૦ સમિટ યોજાશે

  • મરિન અને એનએસજી કમાન્ડો સુરક્ષામાં તૈનાત રહેશે; કાશ્મીરી પંડિતો હિજરત કરી રહ્યા છે.

શ્રીનગર,જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ૨૨ થી ૨૪ મે દરમિયાન યોજાનારી ય્-૨૦ સમિટ માટે સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ કોન્ફરન્સ દાલ તળાવના કિનારે શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટરમાં આયોજિત કરવામાં આવશે. આ દરમિયાન મરીન કમાન્ડોને જેલમ નદી અને દાલ તળાવમાં તૈનાત કરવામાં આવશે. સંભવિત આત્મઘાતી હુમલાને રોકવા માટે એનએસજીની ટીમો સ્થળ પર તૈનાત રહેશે. તેમની સાથે એસઓજી પણ રહેશે. બીજી તરફ બેઠક પહેલા ખીણમાંથી કાશ્મીરી પંડિતો અને અન્ય બિન-મુસ્લિમોનું હિઝરત શરૂ થઈ ગયું છે. તેઓ હંગામી ધોરણે રહેવા માટે જમ્મુ ગયા છે.

સુરક્ષા અધિકારીઓએ કાશ્મીરી પંડિત અને અન્ય બિન-મુસ્લિમ કર્મચારીઓને ઓફિસો અને રહેઠાણો સુધી મર્યાદિત રહેવા અને બિનજરૂરી બહાર ન જવા જણાવ્યું છે. તેમને વધુ સતર્ક રહેવા માટે કહેવામાં આવ્યું છે. એક પંડિત કર્મચારીએ કહ્યું – અમને કોઈએ જવા માટે કહ્યું નથી, પરંતુ અમને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. અમારી પાસે ભૂતકાળમાં એવા ઉદાહરણો છે કે જ્યાં કોઈ મોટી ઘટના પહેલા લઘુમતીઓને નિશાન બનાવવામાં આવ્યા હોય. અમે બેઠક પૂરી થયા પછી પાછા આવીશું. ૧૧ મેના રોજ કાશ્મીર યુનિવર્સિટી , શ્રીનગરમાં યુથ-૨૦ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન કાશ્મીરી વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો.

સમગ્ર શહેરમાં હાઈટેક ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ સુરક્ષા ચોકીઓ બનાવવામાં આવી છે. પોલીસ અને CRPFએ શ્રીનગર તેમજ આસપાસના જિલ્લાઓમાં પેટ્રોલિંગ વધારી દીધું છે. સીઆરપીએફ સ્થળની નજીક સ્નિફર ડોગ્સની મદદથી વિસ્ફોટકો શોધવાની કવાયત હાથ ધરી છે. સાદા યુનિફોર્મમાં પોલીસકર્મીઓ શ્રીનગર અને સ્થળ પર તૈનાત રહેશે. બેઠકને યાનમાં રાખીને શ્રીનગરને સુંદર બનાવવામાં આવી રહ્યું છે. અનેક જગ્યાએ બાંધકામનું કામ ચાલી રહ્યું છે. રેતીની બોરીઓ અને કાંટાળી તારથી બનેલા જૂના બંકરોને અંદરથી સ્માર્ટ અને બહારથી સુંદર બનાવવામાં આવી રહ્યા છે. નવા બંકરો બુલેટપ્રૂફ કવચથી બનાવવામાં આવી રહ્યા છે અને તેની પાછળ રેતીની બોરીઓ રાખેલી છે. બંકરોનો બહારનો ભાગ કાશ્મીરના પ્રવાસન સ્થળોની તસવીરોથી શણગારવામાં આવ્યો છે.