ભારત અને શ્રીલંકા વચ્ચે હાલ ૩ મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની બીજી મેચ ૪ ઓગસ્ટના રોજ કોલંબોમાં રમાઈ હતી. આ મેચમાં ઈન્ડિયાએ ૩૨ રનથી હારનો સામનો કરવો પડ્યો. મેચમાં મળેલી હારથી હવે ટીમ ઈન્ડિયાનું વનડે સિરીઝ જીતવાનું સપનું પણ તૂટી ગયું છે. અહીંથી હવે ટીમ ઈન્ડિયા જો ત્રીજી મેચ જીતે તો પણ ફક્ત સિરીઝ બરાબર કરી શકે. કારણ કે પહેલી મેચ ટાઈ થઈ ગઈ હતી. જ્યારે બીજી મેચ શ્રીલંકાએ જીતીને ૧-૦થી સિરીઝમાં લીડ મેળવી લીધી છે.
ભારતીય ટીમ છેલ્લા ૨૭ વર્ષથી સતત શ્રીલંકાથી વનડે દ્વિપક્ષીય સિરીઝ જીતતી આવી છે. પરંતુ હવે ૨૭ વર્ષ જૂનો આ રેકોર્ડ તૂટ્યો છે. કારણ કે અહીંથી ટીમ ઈન્ડિયા આ સિરીઝ જીતી શકે એમ નથી. સિરીઝની એક જ મેચ બચી છે અને ટીમ ઈન્ડિયા જીતે તો પણ સિરીઝ ફક્ત બરોબરી પણ આવીને અટકે. ભારતીય ટીમ છેલ્લે શ્રીલંકા સામે ૧૯૯૭માં હારી હતી. તે સિરીઝ ટીમ ઈન્ડિયાના કેપ્ટન સચિન તેંડુલકર હતા. આ સિરીઝ શ્રીલંકાએ ૩-૦થી જીતી હતી. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ૧૧ વનડે સિરીઝ રમાઈ છે અને બધામાં ટીમ ઈન્ડિયાએ જીત મેળવી હતી.
સિરીઝની બીજી મેચમાં એકવાર ફરીથી ટીમ ઈન્ડિયાની બેટિંગ લથડી ગઈ. રોહિત શર્માને બાદ કરતા તમામ બેટર્સે નિરાશ કર્યા. આ મેચ જીતવા માટે ટીમ ઈન્ડિયા સામે ૨૪૧ રનનો લક્ષ્યાંક હતો. પણ ભારતીય ટીમ ૨૦૮ રનમાં જ પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.