કોલંબો,શ્રીલંકાની સ્થાનિક ચૂંટણીનું સંચાલન કરતા એકમે મંગળવારે જણાવ્યું હતું કે ૨૫મી એપ્રિલે યોજાનારી સ્થાનિક ચૂંટણી ભંડોળના અભાવે અચોક્કસ મુદત માટે મુલતવી રાખવામાં આવી છે. ચૂંટણીપંચે વડાપ્રધાન દિનેશ ગુણવર્દેના અને મોટાભાગના રાજકીય પક્ષોના સભ્યો સાથે બેઠક યોજ્યા પછી આ જાહેરાત કરી હતી. ચૂંટણીપંચના ડિરેક્ટર જનરલ સમન શ્રી રત્નાયકેએ જણાવ્યું હતું કે સરકારી તિજોરી ભંડોળ આપશેત્યારે ચૂંટણી યોજાશે.
સ્થાનિક ચૂંટણીઓ અગાઉ ૯મી માર્ચના રોજ યોજાવવાની હતી અને તેને મુલતવી રાખી ૨૫ એપ્રિલની તારીખ કરવામાં આવી હતી. શ્રીલંકામાં વર્તમાન આર્થિક કટોકટીના લીધે ચૂંટણીઓ યોજાઈ રહી નથી. માર્ચમાં શ્રીલંકાના સરકારી પ્રિન્ટર ગંગાની લિયાનગેએ જણાવ્યું હતું કે તે ચૂંટણીપંચે ૨૧થી ૨૪ ફેબુ્રઆરી દરમિયાન યોજાનારી ચૂંટણી મુલતવી રાખતા પોસ્ટલ બેલોટ નહી છાપે. લિયાનગેએ જણાવ્યું હતું કે ચૂંટણી મુલતવી રખાય ત્યારે તેને કુલ ૫૦ કરોડના અંદાજિત ખર્ચમાંથી ફક્ત ચાર કરોડ મળ્યા છે.
ગયા વર્ષે માર્ચથી ચાલતી આર્થિક કટોકટીના લીધે શ્રીલંકામાં દરેક ચૂંટણી આયોજન પાલુ ઠેલાયું છે. ચૂંટણીપંચે ૩૪૦ લોકલ કાઉન્સિલોની ચૂંટણી ગયા વર્ષે માર્ચથી આર્થિક કટોકટીના લીધે મુલતવી રાખી છે. આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળે દેવાના બોજા હેઠળ દટાયેલા શ્રીલંકાને મદદ કરવા ત્રણ અબજ ડોલરનો બેઇલ આઉટ પ્રોગ્રામ ઓફર કર્યો છે. કોલંબોએ આ બાબતને ઐતિહાસિક ગણાવી છે. શ્રીલંકા ૨૦૨૨માં અણચિંતવી ૠણ કટોકટીમાં ફસાઈ ગયું હતું.