
- નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા સંબંધો પ્રાચીન અને વ્યાપક છે.વિક્રમસિંઘેએ કહ્યું-મોદીના નેતૃત્વમાં ભારત સતત વિકાસ કરી રહ્યું છે.
નવીદિલ્હી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ૨ દિવસના ભારત પ્રવાસે છે. શુક્રવારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય અને ડેલિગેશન સ્તરની વાતચીત થઈ હતી. આ દરમિયાન શ્રીલંકામાં યુપીઆઇના ઉપયોગને મામલે સમજૂતી થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું- અમારા સંબંધો પ્રાચીન અને વ્યાપક છે.વિક્રમસિંઘેએ કહ્યું- પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સતત વિકાસ કરી રહ્યું છે.
શ્રીલંકા અને ભારત વચ્ચે એર કનેક્ટિવિટી વધારવામાં આવશે. પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થશે. ઈલેક્ટ્રીસિટી ગ્રીડ પર કામ કરવામાં આવશે. આ પહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિએ એનએસએ અજીત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે કોલંબો પોર્ટને લઈને ચર્ચા થઈ હતી.
મોદીએ કહ્યું- ગયું ૧ વર્ષ શ્રીલંકા માટે પડકારોથી ભરેલું હતું. અમે મુશ્કેલ સમયમાં ત્યાંના લોકો સાથે ઊભા રહીશું. અમને આશા છે કે શ્રીલંકાની સરકાર તમિલોની આકાંક્ષાઓને પૂર્ણ કરીને સમાનતા, ન્યાય અને શાંતિની પ્રક્રિયાને આગળ વધારવામાં આવશે. ભારતની ’નેબરહુડ ફર્સ્ટ’ નીતિ અને ’SAGAR’ વિઝન બંનેમાં શ્રીલંકાનું મહત્વનું સ્થાન છે.
શ્રીલંકાએ છેલ્લા એક વર્ષમાં અનેક આર્થિક, સામાજિક અને રાજકીય પડકારોનો સામનો કર્યો છે. તેમની સાથે વ્યવહાર કરવા માટે, મેં ઘણા મોરચે વિવિધ સુધારાઓ રજૂ કર્યા. આજે મેં પીએમ મોદીને આ બધી બાબતોની જાણકારી આપી.પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સતત વિકાસ કરી રહ્યું છે. ભારતે આર્થિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી છે. હું તેમને આ માટે શુભેચ્છા પાઠવું છું. અમારું માનવું છે કે ભારતનો વિકાસ પડોશી અને હિંદ મહાસાગર ક્ષેત્ર માટે ફાયદાકારક રહેશે. શ્રીલંકાના મુશ્કેલ સમયમાં પીએમ મોદી, ભારત સરકાર અને અહીંના લોકોએ અમને સાથ આપ્યો. હું તેમની ખુબ જ પ્રશંસા કરું છું.પીએમ મોદી અને હું માનું છું કે ભારતના દક્ષિણ ભાગથી શ્રીલંકા સુધી મલ્ટી-પ્રોજેક્ટ પેટ્રોલિયમ પાઈપલાઈન શ્રીલંકામાં ઊર્જા સંસાધનોના પુરવઠામાં સુધારો કરશે.
ગુરુવારે સાંજે ભારત પહોંચેલા વિક્રમસિંઘેનું કેન્દ્રીય રાજ્ય મંત્રી વી મુરલીધરન દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પછી તેઓ વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા. ધ મિન્ટના અહેવાલ અનુસાર, આ મુલાકાત દરમિયાન તેઓ શ્રીલંકાની અર્થવ્યવસ્થા, ચીન અને વેપાર અંગે ચર્ચા કરવામાં આવી છે. ગયા વર્ષે શ્રીલંકામાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને લોકોએ બળવો કરીને રાજપક્ષેની સરકારને ઉથલાવી દીધી હતી. આ પછી રાનિલ વિક્રમસિંઘેએ દેશની કમાન સંભાળી. ખરેખરમાં, ગોટાબાયા રાજપક્ષેનો બાકીનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી રાનિલ જ રાષ્ટ્રપતિ રહેશે. આ કાર્યકાળ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીનો છે.
શ્રીલંકામાં ભારતની મદદથી કરોડો રૂપિયાની કલ્યાણકારી યોજનાઓ ચાલી રહી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ અને મોદી સાથે મળીને તેની સમીક્ષા કરી. કેટલાક પ્રોજેક્ટ એવા છે જે પૂર્ણ થયા છે. પાવર અને એનર્જી, કૃષિ અને નેવી સંરક્ષણ સંબંધિત બાબતો વધુ મહત્વ ધરાવે છે.
ભારતની મુલાકાત પહેલા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે શ્રીલંકા ઈચ્છે છે કે ભારતીય રૂપિયાનો પણ અમેરિકન ડોલર જેટલો જ ઉપયોગ થાય. તેમણે કહ્યું હતું કે જો રૂપિયાનો સામાન્ય ચલણ તરીકે ઉપયોગ કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી. આપણે જોવું પડશે કે આ પછી આપણે કયા જરૂરી ફેરફારો કરવા પડશે.
વિક્રમસિંઘેએ કહ્યું હતું કે- જેમ જાપાન, કોરિયા અને ચીન સહિતના પૂર્વ એશિયાના દેશોએ ૭૫ વર્ષ પહેલા મોટા પાયે વિકાસ કર્યો હતો, તે જ રીતે હવે ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રનો વારો છે. વિશ્ર્વનો વિકાસ થઈ રહ્યો છે અને વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત પણ ઝડપથી વિકાસ કરી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિનું આ નિવેદન કોલંબોમાં ભારતીય સીઈઓ ફોરમને સંબોધિત કરતી વખતે સામે આવ્યું હતું.