શ્રીલંકાએ એવી ખતરનાક ચાલ ચલી, મેચ બાદ રોહિતે પણ કાઢ્યો બળાપો

ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકાના પ્રવાસે છે અને ત્યાં ત્રણ ટી૨૦ મેચની સિરીઝ જીત્યા બાદ હવે વનડે સિરીઝ રમી રહી છે. પરંતુ વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાના પરફોર્મન્સ નબળું જોવા મળતા ફેન્સ પણ ચોંક્યા છે. પહેલી વનડે જીતતા જીતતા ટાઈ થઈ ગઈ અને બીજી વનડેમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો. શ્રીલંકાએ રોહિત સેનાને પછાડવા માટે એક જોરદાર પ્લાન પણ તૈયાર કર્યો અને ટીમ ઈન્ડિયા હાલ તો આ પ્લાનમાં સંપૂર્ણ પણે ફસાતી જોવા પણ મળી રહી છે.

જ્યારે પણ બાઈલેટ્રલ સિરીઝ રમાતી હોય ત્યારે ઘર આંગણે રમતી ટીમને એ અધિકાર હોય છે કે તે પોતાને ફાવે તેવી પીચ તૈયાર કરાવી શકે છે. શ્રીલંકા વિરુદ્ધ વનડે સિરીઝમાં પણ કઈક એવું જ જોવા મળી રહ્યું છે. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા અને કેપ્ટન ચરિથ અસલાંકાને પણ એ વાત સારી રીતે ખબર હતી કે હાલની ટીમમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કે એલ રાહુલને બાદ ક રતા બાકીના બેટ્સમેન સ્પિન સામે સારું રમી શક્તા નથી.

એવો દાવો તો નથી કરી શકાતો કે ભારત વિરુદ્ધ વનડે સિરીઝ માટે શ્રીલંકાએ પોતે જ સ્પિન ફ્રેન્ડલી પીચોની માંગણી કરી હતી કે નહીં પરંતુ એ પણ નજરઅંદાજ કરી શકાય નહીં કે મેજબાન ટીમને પહેલી બે મેચોમાં જબરદસ્ત ફાયદો મળ્યો છે. શ્રીલંકાએ પોતાના ઘરેલુ મેદાનોની સ્થિતિનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને સ્પિનના હથિયારથી જ ટીમ ઈન્ડિયા પર જોર અજમાવ્યું. શ્રીલંકા વિરુદ્ધ પહેલી બે વનડે મેચોમાં ભારતીય બેટર્સ સ્પિનર્સ સામે વામણા સાબિત થયા.

રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ પહેલી વનડેમાં ૪૭ બોલમાં ૫૮ રન કર્યા હતા. આ દરમિયાન ભારતીય કેપ્ટને ૭ ચોગ્ગા અને ૩ છગ્ગા માર્યા. બીજી વનડેમાં પણ કેપ્ટન રોહિત શર્માનું રૌદ્ર રૂપ જોવા મળ્યું હતું. રોહિત શર્માએ શ્રીલંકા વિરુદ્ધ બીજી વનડે મેચમાં ૪૪ બોલમાં ૬૪ રન કર્યા હતા. રોહિત શર્માએ આ ઈનિંગમાં પણ ૫ ચોગ્ગા અને ૪ છગ્ગા માર્યા. શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યા અને કેપ્ટન ચરિથ અસલાંકાને ખબર હતી કે મોટાભાગના ભારતીય બેટર્સ સ્પિનર્સ સામે રમવામાં વામણા છે. આથી તેમણે ટીમ ઈન્ડિયાની આ નબળાઈને પોતાનું હથિયાર બનાવ્યું અને શાનદાર રણનીતિ તૈયાર કરી.

પહેલી વનડે મેચમાં શ્રીલંકન સ્પીનર્સ વાનિન્દુ હસરંગા અને કેપ્ટન ચરિથ અસલાંકાએ પોતાની ઘાતક સ્પિન બોલિંગથી ભારતીય ટીમને ૨૩૦ રન પર ઓલઆઉટ કરીને મેચ ટાઈ કરાવી નાખી હતી. ત્યારબાદ બીજી વનડે મેચમાં પણ ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ ઓછી ન થઈ. ભારતીય સ્ટાર બેટર્સને ઘૂંટણિયે લાવી દીધા. ટીમ ઈન્ડિયા ફક્ત ૨૦૮ રન કરીને ઓલઆઉટ થઈ ગઈ અને ૩૨ રનથી મેચ હારી ગઈ. જ્યારે તેની સામે જીત માટે માત્ર ૨૪૧ રનનો ટાર્ગેટ હતો. કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે ભારતીય બેટર્સે અહીંની પીચો પ્રમાણે પોતાને ઢાળવા પડશે.

રોહિત શર્માએ કહ્યું કે તમારે પીચો પ્રમણે તમારી જાતને ઢાળવી પડશે. લેટી અને રાઈટી બેટર્સના કોમ્બિનેશન સાથે અમને લાગ્યું કે સ્ટ્રાઈક રેટ રોટેટ કરવો સરળ રહેશે. પરંતુ જેફ્રીને શ્રેય જાય છે કે તેણે છ વિકેટ લઈ લીધી. શ્રીલંકાના કેપ્ટન ચરિથ અસાલંકાએ કહ્યું કે હું સ્કોરથી ખુશ હતો. ૨૪૦ રન ખુબ સારો સ્કોર હતો. એક કેપ્ટન તરીકે મને આ પ્રકારની સમસ્યાઓ (સ્પિનના અનેક વિકલ્પ) પસંદ છે. વાંડરસેનો સ્પેલ ખુબ શાનદાર હતો. પ્લેયર ઓફ ધ મેચ બનેલા વાંડરસેએ કહ્યું કે ટીમ પર ખુબ દબાણ હતું. હું આરામ બાદ વાપસી કરી રહ્યો હતો. શ્રેય લેવો સરળ છે. પરંતુ હું બેટર્સમેનોને પણ શ્રેય આપવા ઈચ્છું છું કે તેમણે ૨૪૦ રનનો સ્કોર કર્યો.