શ્રીકૃષ્ણ જન્મભૂમિ પાસેનાં દબાણ અંગેના કેસનો સુપ્રીમે નિકાલ કર્યો

નવીદિલ્હી, ઉત્તરપ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિની આસપાસ બંધાયેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવા સંબંધિત અરજીનો નિકાલ કરી અરજદારને ગેરકાયદેસર બાંધકામના ડિમોલિશન અને પુન:વસનની રાહત માટે સિવિલ કોર્ટમાં જવાની મંજૂરી આપી હતી. સુપ્રીમે નોંધ્યું હતું કે આ કેસના અરજદારોની અરજી સિવિલ કોર્ટમાં વિલંબિત છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અનિરુદ્ધ બોસની અધ્યક્ષતા હેઠળની બેન્ચે આ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા પર આપેલા ૧૦ દિવસના મનાઈ હુકમને લંબાવવાનો પણ ઇન્કાર કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે અરજદારોને અતિક્રમણ અટકાવવા સામે સ્ટે તથા પુન:વસનની રકમ માટે નીચલી કોર્ટમાં ચાલી રહેલા કેસમાં રજૂઆત કરવા જણાવ્યું હતું. આ કેસમાં રેલવે તથા ઉત્તરપ્રદેશ સરકારે કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, મથુરા વૃંદાવન રેલવેની મીટર ગેજ લાઈનને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવાની યોજના હેઠળ આ વિસ્તારમાંથી ગેરકાયદેસર બાંધકામ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે આ યોજનામાં અવરોધરૂપ ૮૦ ટકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી હોવાથી આ કેસની સુનાવણી બંધ કરવી જોઈએ.