નવીદિલ્હી, મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી મુસ્લિમ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમે એડવોકેટ સર્વે અંગે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે અને મુસ્લિમ પક્ષને રાહત આપવાનો ઇન્કાર કર્યો છે. હવે સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી ૯ જાન્યુઆરીએ થશે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા જ અલ્હાબાદ હાઈકોર્ટે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરની બાજુમાં આવેલ શાહી ઈદગાહ સંકુલના કોર્ટ કમિશનર સર્વેને મંજૂરી આપી હતી. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે કોર્ટની દેખરેખ હેઠળ એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાની માગણી કોર્ટે સ્વીકારી છે. હિન્દુ પક્ષના વકીલ વિષ્ણુ જૈને કહ્યું કે, અમે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી રહ્યા છીએ. કોર્ટે શાહી ઇદગાહ સંકુલના સર્વેને મંજૂરી આપી છે. જોકે, એએસઆઇ સર્વે ક્યારે થશે અને તેમાં કેટલા લોકો ભાગ લેશે. આ બધું ૧૮ ડિસેમ્બરે નક્કી થશે.
કોર્ટ કમિશનરની નિમણૂક કરવાના અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. મસ્જિદ વ્યવસ્થા સમિતિએ આ મામલે વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં આ ઉલ્લેખ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુસ્લિમ પક્ષના વકીલ હુઝૈફા અહમદીએ સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠ સમક્ષ કહ્યું કે, ગઈકાલે એટલે કે ગુરુવારે અચાનક આદેશ આપવામાં આવ્યો.
હાઈકોર્ટે કોર્ટ કમિશનરને સર્વે કરવાનો આદેશ આપી દીધો છે. મુસ્લિમ પક્ષે કહ્યું કે, ૧૮ ડિસેમ્બરે હાઈકોર્ટ સર્વેની પદ્ધતિ નક્કી કરવા માટે સુનાવણી હાથ ધરશે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો હાઈકોર્ટના આદેશને કારણે કોઈ સમસ્યા હોય તો તમે સુપ્રીમ કોર્ટમાં આવી શકો છો. શિયાળાના વેકેશનમાં પણ સુપ્રીમ કોર્ટ આવી શકે છે.
ગુરુવારે મસ્જિદ કમિટીના વકીલે દલીલ કરી હતી કે જો અલ્હાબાદ હાઈકોર્ટના આ આદેશને પડકારતી અરજીની સુપ્રીમ કોર્ટમાં જલ્દી સુનાવણી નહીં થાય તો અન્ય પેન્ડિંગ અરજીઓ પર અસર થશે. સુપ્રીમ કોર્ટ શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના ૨૬ મેના આદેશને પડકારતી મેનેજમેન્ટ ટ્રસ્ટ શાહી મસ્જિદ ઈદગાહની સમિતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરશે