શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મથુરા કોર્ટમાં અરજદારો ભગવાનની મૂર્તિ લઈને પહોંચ્યા, જજે પ્રતિક્રિયા આપી

મથુરા,

શ્રી કૃષ્ણના જન્મસ્થળ શાહી ઈદગાહના કેસમાં ભગવાનને મંગળવારે મથુરા કોર્ટમાં અરજદાર તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. ૨૩ જાન્યુઆરીના રોજ હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન દાખલ કેસમાં કોર્ટે ભગવાન કેશવ દેવને ગેરહાજર માન્યા હતા જેમને કેસમાં નંબર ૬ પર અરજદાર બનાવવામાં આવ્યા હતા. હાજર ન થવાના બદલામાં કોર્ટમાં દાખલ કેસમાં અન્ય અરજદારો ભગવાનની મૂર્તિ સાથે કોર્ટમાં પહોંચ્યા હતા.મંગળવારે મથુરામાં સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં કેસ નંબર ૧૨/૨૦૨૩ની સુનાવણી હતી. આ કેસમાં ૬ અરજદારો છે. જેમાં ભગવાન કેશવદેવને પણ છઠ્ઠા અરજદાર બનાવવામાં આવ્યા હતા.

આ જ કેસની સુનાવણી દરમિયાન મંગળવારે અન્ય અરજદારો ભગવાનની મૂર્તિને લઈને કોર્ટમાં પહોંચ્યા હતા અને ભગવાન કોર્ટમાં હાજર થયા હતા. કોર્ટે ભગવાનની હાજરી સ્વીકારી હતી અને આગામી તારીખે તેમને ન લાવવાનો આદેશ આપ્યો હતો.

આ કેસમાં કોર્ટે આગામી તારીખે ભગવાનને ન લાવવાનો આદેશ આપ્યા બાદ હવે અન્ય અરજદારો ભગવાનના મિત્ર તરીકે હાજર રહેશે. કેસ નંબર ૧૨/૨૦૨૩માં ભગવાન સહિત ૬ અરજદારો બનાવવામાં આવ્યા છે.કેસ નંબર ૧૨/૨૦૨૩માં શ્રી કૃષ્ણ જન્મભૂમિ નિર્માણ ટ્રસ્ટ, રાષ્ટ્રીય બ્રાહ્મણ યુવા સભા, બિજનૌર નિવાસી અનિલ કુમાર પાંડે, મહામંડલેશ્ર્વર ધર્મેન્દ્ર ગિરી, સત્યમ શર્મા અને ઠાકુર કેશવ દેવજી મહારાજ સહિત ૬ અરજદારો છે.

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈને વિવાદ ઘણો જૂનો છે. મથુરાના આ વિવાદ કુલ ૧૩.૩૭ એકર જમીનની માલિકી સાથે સંબંધિત છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે ૧૦.૯ એકર જમીનનો માલિકી હક્ક છે જ્યારે શાહી ઈદગાહ મસ્જિદ પાસે અઢી એકર જમીનનો માલિકી હક્ક છે.