ડાકોર,યાત્રાધામ ડાકોર મંદિરમાં તા. ૨૫મીએ હોળી (ફાગણી પૂનમ મેળો ) પૂર્ણિમા ઉત્સવ ઉજવાશે. ઉત્સવને લઇને મંદિરમાં તા. ૨૪ અને ૨૫મીએ ભગવાનના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા. ૨૪ મીએ વહેલી સવારે ૫ કલાકે મંગળાઆરતી અને તા.૨૫મીએ વહેલી સવારે ૪ કલાકે મંગળાઆરતી થશે. ડાકોરમાં આમલકી એકાદશી થી પૂર્ણિમા સુધી હોળી ફાગણી પૂનમ મેળો યોજાશે. આ ઉત્સવના દર્શનનો લાભ લેવા અમદાવાદ સહિત રાજયભર માંથી મોટી સંખ્યામાં પદયાત્રિકો સહિત શ્રધાળુઓનો મહેરામણ ઉમટી પડશે. ઉત્સવને લઇને ડાકોર મંદિર અને વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.
ડાકોર રણછોડરાયજી મંદિરના સૂત્રોએ જણાવ્યું હતું. કે, રાજાધિરાજ ભગવાન રણછોડરાયજી (શ્રીકૃષ્ણ) સાથે હોળી રમવાના ભાવ સાથે રાજયભરમાંથી દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટી પડે છે. દર્શનાર્થીઓ મંદિરમાં ભગવાન સન્મુખ અબીલ ગુલાલની છોળ ઉડાડી હોળી રમ્યાના ભાવ પ્રગટ સાથેના દર્શનનો લાભને ધન્યતા અનુભવે છે. દર્શનાર્થીઓને દર્શનમાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે મંદિરના દર્શનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે. તા. ૨૪ મીએ રવિવારના રોજ હોળી દહનના દિવસે મંદિર વહેલી સવારે ૪.૪૫ કલાકે નિજ મંદિર ખુલશે. સવારે ૫ કલાકે મંગળા આરતી થશે. સવારે ૫ થી ૭.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. તા. ૨૫ મી નારોજ સોમવારે ફાગણી પૂનમ (દોલોત્સવ)ના દિવસે વહેલી સવારે ૩.૪૫ કલાકે નિજ મંદિર ખુલશે. વહેલી સવારે ૪ કલાકે મંગળાઆરતી સાથે દર્શન ખુલીને સવારે ૮.૩૦ વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. સવારે ૮.૩૦ થી ૯ વાગ્યા સુધી ભગવાન બાલભોગ, શૃંગારભોગ, ગોવાળભોગ આરોગવા બિરાજશે. આ સમયે દર્શન બંધ રહેશે.
ડાકોરમાં હોળી પૂનમને લઇને ભક્તોનો મહેરામણ ઉમટી પડશે. દર્શનાર્થીઓ વહેલી સવારથીજ મંદિર ખાતે પહોંચી જશે. આ મેળાને લઇને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવનાર છે. આ બે દિવસ મંદિર તરફના સમગ્ર માર્ગો ઉપર ભક્તોના પ્રવાહથી છલકાઇ જશે.