શ્રી કૃષ્ણ જન્મભૂમિ વિવાદ: મુસ્લિમ પક્ષે કોર્ટના આદેશ સામે વાંધો ઉઠાવ્યો અને અરજી દાખલ કરશે

મથુરા,

શાહી મસ્જિદ ઇદગાહ કેસમાં મુસ્લિમ પક્ષ ઇદગાહના અમીન સર્વે માટે સ્થાનિક કોર્ટના આદેશ પર પોતાનો વાંધો નોંધાવશે. શાહી મસ્જિદ ઇદગાહ વ્યવસ્થા સમિતિના સેક્રેટરી અને એડવોકેટ તનવીર અહેમદે આ વાતની પુષ્ટિ કરી છે. તનવીર અહેમદે કહ્યું કે, તેઓ ૨૦ જાન્યુઆરીએ સર્વેના આદેશ સામે વાંધો નોંધાવશે.

તમને જણાવી દઈએ કે મથુરાની સ્થાનિક અદાલતે શનિવારે આ વિવાદ અંગે હિન્દુ સેનાના દાવા પર ઈદગાહના અમીન સર્વેનો રિપોર્ટ ૨૦ જાન્યુઆરીએ મંગાવ્યો છે. કોર્ટે આ મામલે સુનાવણી માટે આગામી તારીખ ૨૦ જાન્યુઆરી નક્કી કરી છે. અમીનને તે પહેલા કોર્ટમાં સંબંધિત રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

એડવોકેટ શૈલેષ દુબેએ કહ્યું કે ૮ ડિસેમ્બરે હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજીત સિંહ યાદવે ન્યાયાધીશ સોનિકા વર્માની કોર્ટમાં દાવો કર્યો હતો કે શ્રી કૃષ્ણ જન્મસ્થળના ૧૩.૩૭ એકરમાં આવેલા મંદિરને તોડીને ઔરંગઝેબે ઈદગાહ તૈયાર કરી હતી.

બંનેએ કોર્ટ સમક્ષ ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મંદિરના નિર્માણ સુધીનો સંપૂર્ણ ઈતિહાસ રજૂ કર્યો હતો. તેમણે વર્ષ ૧૯૬૮માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ વચ્ચે થયેલા કરારને પણ ગેરકાયદે ગણાવ્યો હતો અને તેને રદ કરવાની માગ કરી હતી. કોર્ટે વાદીની અરજી સુનાવણી માટે સ્વીકારી છે અને અમીન વતી સર્વે અને રિપોર્ટ આપવાનો આદેશ કર્યો છે. આ મામલે કોર્ટમાં ૨૨ ડિસેમ્બરે સુનાવણી થવાની હતી, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શકી નહીં. જો કે, હવે અમીને ૨૦ જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં ઇદગાહ રિપોર્ટ રજૂ કરવાનો રહેશે.

તમને જણાવી દઈએ કે હિન્દુ સેના દ્વારા કોર્ટમાં એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેઓએ માગ કરી હતી કે વિવાદિત સ્થળનો સર્વે કરવામાં આવે. કોર્ટ કમિશનરને મોકલીને રિપોર્ટ મંગાવવો જોઈએ. સાથે જ શ્રી કૃષ્ણ જન્મભૂમિની ૧૩.૩૭ એકર જમીન જે તેના પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવી છે તેને અટકાવીને તેને દૂર કરવાની માગ કરવામાં આવી હતી.