- મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને કવિઓએ મંત્રમુગ્ધ કર્યા.
ગોધરા, શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ -ગોધરાના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણના નિર્દેશ અનુસાર, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા), GTPL ગુજરાતી ટીવી ચેનલ, અમદાવાદ અને શ્રીમતી સી.આર.ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં જ યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે દબદબાભેર ભવ્ય કવિસંમેલન સંપન્ન થયું. કાર્યક્રમનું સંયોજન અને સંચાલન કવિ શૈલેષ પંડયા “ભીનાશ” જી.ટી.પી.એલ.ના પ્રોગ્રામ ડિરેક્ટરે કર્યું હતું. ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ સંમેલનમાં ઉપસ્થિત સૌ કવિઓ અને મહેમાનોનું પુસ્તક અને હાથ રૂમાલ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ પ્રાર્થના રજૂ થયા બાદ કવિ વિનોદ ગાંધી, કુમાર જૈમિનિ શાસ્ત્રી, મોહસીન મીર, શ્યામ ઠાકોર, મહેન્દ્ર પરમાર, મહેશ પટેલ, જગદીશ ખાંટ અને કવયિત્રી કુ. જીબીશા પરમારે પોતાની ચુનંદા કવિતાઓ રજૂ કરી મોટી સંખ્યામાં ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી વિંઝોલના સેનેટ હોલ ખાતે યોજાયેલા આ અભૂતપૂર્વ કાર્યક્રમમાં શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) જિ. પંચમહાલના કુલપતિ પ્રતાપસિંહજી ચૌહાણ તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી સી.આર.ગાર્ડી આર્ટસ કોલેજ, મુનપુરના આચાર્ય ડો. મહેશ મહેતાએ પ્રાસંગિક પ્રવચનો કર્યાં હતાં. આ કવિસંમેલનને માણવા યુનિવર્સિટીના તમામ છાત્રો અને અધ્યાપકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કવિઓને બિરદાવ્યા હતા. યુનિવર્સિટીના કુલસચિવ ડો. અનિલભાઈ સોલંકીએ આભારવિધિ વડે કાર્યક્રમનું સમાપન કર્યું હતું.