- જાહેરાત આવે દિવસો વિતી ગયા છતાં ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયામાં કોઈ સુધારો ના થતાં વિદ્યાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે: દિનેશ બારીઆ
સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે એક જ પોર્ટલ પર ફોર્મ ભરવાની ખુબ સરસ અને સરળ પ્રક્રિયા કરવામાં આવી છે. રાજ્યમાં કોઈ પણ યુનિવર્સિટી અને કોલેજમાં જે પણ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવો હોય તો લભફત પોર્ટલ પર ફોર્મ ભરવામાં આવે છે. જેમાં યુનિવર્સિટી અને કોલેજની પસંદગી કરવાની પ્રક્રિયા છે. ત્યારે એલ.એલ.બી.ના પ્રથમ વર્ષમાં એડમિશન માટે ઘણા દિવસોથી ઓનલાઇન ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. પરંતુ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં એડમિશન કરવા માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા અટકી પડી છે.
જ્યારથી જાહેરાત આવી છે ત્યારથી શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે તેઓને કોલેજ પસંદગી માટેની આગલી પ્રોસેસ થતી નથી. કોલેજ પસંદ કરવા માટેની જ્યારે પ્રોસેસ કરવામાં આવે છે. ત્યારે ઓનલાઇન પોર્ટલ પર કોઈ કોલેજનું નામ બતાવવામાં આવતું નથી અને જ્યાં સુધી કોલેજની પસંદગી ના થાય ત્યાં સુધી રજીસ્ટ્રેશન થતું નથી અને રજીસ્ટ્રેશન ફી પણ ચુકવાતી નથી. જેના કારણે દિવસો વિતી ગયા છતાં એલ.એલ.બી. માં એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શક્યા નથી.
જેના કારણે વિદ્યાર્થીઓ ચિંતિત થયા છે. જે તે કોલેજમાં સંપર્ક કરવામાં આવે છે, તો તેમાં એવું જણાવવામાં આવે છે કે, તે પ્રશ્ર્ન યુનિવર્સિટીનો છે. યુનિવર્સિટી દ્વારા શા માટે હજું કોલેજોનું લીસ્ટ મુકવામાં આવ્યું નથી. તે જાણવાનો વિષય છે. આ પ્રકારની સમસ્યા ઉભી થઈ છે, તેની જાણ પંચમહાલ આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ દિનેશ બારીઆને થતાં તેઓએ યુનિવર્સિટીને આ સમસ્યા તાત્કાલિક દુર કરવા લેખીત જાણ કરી છે અને સાથે સાથે જણાવ્યું છે કે, યુનિવર્સિટી કક્ષાએથી જો આવું થતું હોય અને એમાંય દિવસો સુધી આ ખામી સોલ ના કરી શકતા હોય તો આશ્ચર્ય થાય છે અને ચોક્કસ સવાલ પણ ઉભો થાય છે કે કોલેજોનું લીસ્ટ ના મુકવા પાછળ કંઇક ઇરાદો તો નથી ને ! આજે ઘણા વિભાગો તથા ક્ષેત્રોમાં પારદર્શિય વહિવટ જોવા મળતો નથી ત્યારે શિક્ષણ વિભાગ સામે પણ પ્રશ્ર્નો ઉભા થાય છે.
યુનિવર્સિટી દ્વારા કોલેજની મંજુરી હોય, અભ્યાસક્રમ માટેની મંજુરી હોય, પ્રવેશ પ્રક્રિયા હોય, પરીક્ષા કે પરિણામ પ્રક્રિયા હોય એવી તમામ બાબતોમાં પારદર્શિતા અપેક્ષિત છે. અહીં દિવસો વિતી જવા છતાં કોલેજોના લીસ્ટ ના મુકવાના કારણે પ્રવેશ પ્રક્રિયા અટકી પડી છે, તેની સામે પ્રશ્ર્ન છે. આથી વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને દુર કરવા માટે આ રજુઆત છે, તેમ દિનેશ બારીઆ દ્વારા જણાવ્યું છે.