અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા પછી આજે બીજો દિવસ છે. મંગળવારે ભક્તોની ભારે ભીડ બેકાબૂ થયા પછી આજે કડક સુરક્ષા જાળવવામાં આવી છે. RAFનાં જવાન મંદિરની બહાર ઊભા છે અને ઍનાઉન્સમૅન્ટ કરીને ભક્તોની ભીડને મેનેજ કરવામાં આવી રહી છે.
બીજી બાજુ, બુધવારે રામલલ્લાના શ્રૃંગારની તસવીર સામે આવી છે. જેમાં રામલલ્લા લીલા રંગના વાઘામાં શોભે છે. તેમણે સોનાનો મુકુટ ધારણ કરેલો છે. ભક્તોની ભીડને જોઈને આજથી રામલલ્લા 15 કલાક દર્શન આપશે. સવારે 7 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી. બપોરે 12 વાગ્યે ભગવાનને ભોગ અને આરતી માટે મંદિરના કપાટ 15 મિનિટ જ બંધ રહેશે.
મંગળવારે ભારે ભીડનાં કારણે અંદર બેરિકેટ્સ રાખવામાં આવ્યા છે. જેથી ભક્ત લાઇનમાં અંદર જાય. સુરક્ષા સાથે જોડાયેલાં એક અધિકારીએ જણાવ્યું કે મંદિરની બહાર આજે લાંબી લાઇન જોવા મળી રહી છે. મંગળવારે જે ભાગદોડ અને ધક્કા-મુક્કીનું વાતાવરણ હતું તે આજે નથી. ગ્રુપ બનાવીને ભક્તોને ગર્ભગૃહમાં મોકલવામાં આવી રહ્યા છે.
CM યોગીની કડક સૂચના પછી ચેકિંગ કર્યા બાદ શ્રદ્ધાળુઓને રામજન્મભૂમિ પથ પર પ્રવેશ મળી રહ્યો છે. ભીડને નિયંત્રણ કરવા માટે પોલીસે મંગળવારે રાતે જ સ્ટીલની મજબૂત રેલિંગ લગાવી દીધી હતી.