આજે બપોરે એક શંકાસ્પદ વ્યક્તિએ ખાનિયાર પોલીસ સ્ટેશનની બહાર સુરક્ષા ચોકી પર તૈનાત જવાનો પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો.
- ઓવર ગ્રાઉન્ડ વર્કરે કર્યો હતો પેટ્રોલ બોમ્બ વડે હુમલો
- BSF અને આર્મીના જવાનોને પણ બોલાવી લેવામાં આવ્યા હતા
- આતંકી અને જવાનો વચ્ચે ત્રણથી ચાર મિનિટ સુધી ચાલ્યું હતું ફાયરિંગ
જમ્મુ-કાશ્મીરમાં આતંકી સંગઠને ખતરનાક ઘટનાઓને અંજામ આપીને ફરી આતંક ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ સુરક્ષાબળોને નુકસાન પહોંચાડવા માટે દરરોજ હુમલાનું કાવતરું ઘડી રહ્યા હોય છે. મંગળવારે એક શખ્સે મધ્ય કાશ્મીરના ખાનિયાર પોલીસ સ્ટેશનની બહાર સ્થિત સુરક્ષાબળો પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. જોકે હુમલામાં કોઈને કોઈ જાનહની થઈ નથી.
પેટ્રોલ બોમ્બ વડે સુરક્ષાબળના જવાનો પર કરાયો હુમલો
ખાનિયાર પોલીસે જણાવ્યું કે આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગી ઓવર ગ્રાઉન્ડ વર્કરસ, સુરક્ષાબળોને નિશાન બનાવવા માટે આવા પ્રકારના હુમલા કરી રહ્યા છે. આજે બપોરે એક શંકાસ્પદ વ્યક્તિએ ખાનિયાર પોલીસ સ્ટેશનની બહાર સુરક્ષા ચોકી પર તૈનાત જવાનો પર પેટ્રોલ બોમ્બ વડે હુમલો કર્યો હતો. આ હુમલા પછી તરત જ હુમલો કરનાર શખ્સ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સુરક્ષાબળ સુધી આ બોમ્બ ન પહોંચતા કોઈ જાનહાની નથી થઈ.
હુમલો કરનારની શોધમાં ચાલુ કરાયું હતું સર્ચ ઓપરેશન
હુમલા પછી તરત જ સુરક્ષા દળોએ હુમલાખોરને પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે ત્યાંથી ફરાર થવામાં સફળ થઈ ગયો હતો. આ ઘાતકી હુમલાના કારણે BSF અને આર્મીના જવાનોને પણ તાત્કાલિક ઘટનાસ્થળ પર બોલાવી લેવામાં આવ્યા હતા. ત્યારબાદ હુમલો કરનારની શોધમાં સુરક્ષાબળ દ્વારા ખાનિયાર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરાયું હતું. ખાનિયાર પોલીસનું કહેવું છે કે આ હુમલા પાછળ કોઈ એક ઓવર ગ્રાઉન્ડ વર્કરનો હાથ છે. ટૂંક સમયમાં તપાસ કરીને તેની ધરપકડ કરવામાં આવશે.
આતંકીઓએ અચાનક કર્યો હતો હુમલો
એક અહેવાલ અનુસાર , સોમવારે સુરક્ષાબળના જવાનો પર હુમલો કરવાની વધુ એક ઘટના સામે આવી હતી. દક્ષિણ કાશ્મીરમાં શોપિયામાં સોમવારે બાબપોર વિસ્તારમાં CRPFની 178મી બટાલિયન જવાનો એક વિસ્તારમાં નાકાબંધી કરી રહી હતી. ત્યારે જ આસપાસના ખેતરોમાં છુપાયેલા આતંકીઓ દ્વારા અચાનક નાકા પાર્ટી પર હુમલો કરવામાં આવ્યો હતો. આતંકવાદીઓના ફાયરિંગથી પોતાને બચાવવા જવાનોએ જવાબી ફાયર કર્યું હતું. આ ઘટના દરમિયાન આતંકીયો અને જવાનો વચ્ચે ત્રણથી ચાર મિનિટ સુધી ફાયરિંગ ચાલ્યું હતું. ત્યારબાદ પોતાનો જીવ બચાવતા આતંકીઓ ત્યાંથી ભાગ્યા હતા. આ ઘટના બાદ, સૈનિકોએ સંપૂર્ણ વિસ્તારને ઘેરી આતંકવાદીઓને પકડવા માટે એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ આતંકવાદીઓ ત્યાંથી ફરાર થવામાં સફળ રહ્યા હતા.