શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, અનુસ્નાતક કેન્દ્ર અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા સરકારી પોલીટેકનિક, ગોધરા ખાતે આવેલ શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી હસ્તક એમિનિટી બિલ્ડિંગ ખાતે આયોજિત માતૃભાષા મહોત્સવ

ગોધરા, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી, વિંઝોલ (ગોધરા) અને ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે અનુસ્નાતક વિભાગ, વાણિજ્ય વિદ્યાશાખાના હોલમાં યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણના અધ્યક્ષપદે અને તેમના નિર્દેશ અનુસાર 21-2-2024 ના રોજ માતૃભાષા મહોત્સવ ઉજવાઈ ગયો. કાર્યક્રમની શરૂઆત કરતાં કાર્યક્રમના સંચાલક અને યુનિવર્સિટીના એકેડમિક એડવાઈઝર ડો. કુમાર જૈમિનિ શાસ્ત્રીએ ભારતની માન્ય ભાષાઓ તેમજ વિશ્ર્વમાં સૌથી વધુ બોલાતી ભાષાઓમાં આપણી રાષ્ટ્ર ભાષા હિન્દી ત્રીજા ક્રમ પર છે, તે વિષે વાત કરી તેમજ કાર્યક્રમની ભૂમિકા રજૂ કરી. ઉપરાંત છેલ્લાં ઘણાં વર્ષોથી ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દર વર્ષે માતૃભાષા દિવસની સમગ્ર રાજ્યના ખૂણે ખૂણે આવેલ સ્થાનિક સંસ્થાઓના સહયોગથી માતૃભાષા અંગે જાગૃતિ કેળવાય એવા મહત્તમ કાર્યક્રમો યોજે છે, તેનો ઉલ્લેખ કર્યો. અનુસ્નાતક ગુજરાતી વિભાગની છાત્રા હસુમતીએ પ્રાર્થના પ્રસ્તુત કરી. યુનિવર્સિટીના કુલપતિ ડો. પ્રતાપસિંહજી ચૌહાણ સાહેબે આવકાર પ્રવચન કરી સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. તેમજ વિશ્ર્વ માતૃભાષા દિવસની પ્રસ્તુતતા સમજાવતાં બંગલા દેશના વિદ્યાર્થીઓએ બાંગ્લા ભાષાની અસ્મિતાના રક્ષણ માટે કરેલ સંઘર્ષ તેમજ માતૃભાષાના રક્ષણ માટે તેમણે વહોરેલી શહીદી વિષે માહિતી આપી હતી. ત્યાર બાદ અનુસ્નાતક વિભાગોના અધ્યાપક મિત્રો સર્વ ડો. સુરેન્દ્ર સિંહ ગોહિલ, ડો શૈલેષ રાણસરિયા, ડો અપૂર્વ પાઠક, ડો.હેમેન્દ્ર શાહ, ડો મૌનિક જાની, ડો. જીગ્નેશ રાવલ, ડો વિજય માંગુકિયા, ડો. ડો રાજેશ ભરવાડ, ડો પ્રહલાદ વણઝારા, ડો. અનિતા પરમાર અને ડો. કિંજલ ગોહિલે કાર્યક્રમના અધ્યક્ષ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, મુખ્ય મહેમાન ડો. દક્ષાબેન ચૌહાણ, વક્તા ડો. મણિલાલ હ. પટેલ અને કવિ હરીશ મીનાશ્રુને અકાદમી તરફથી મોકલવામાં આવેલ પુસ્તક, સુતરની આંટી અને ખાદીના રૂમાલ અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું હતું. પછી ઉપસ્થિત મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું ત્યારે ઉદ્ઘોષકશ્રીએ દીપસ્તુતિનું મંત્રગાન પ્રસ્તુત કર્યું હતું. ત્યાર પછી માતૃભાષા દિન નિમિત્તે અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહા સાહેબ તથા માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી આપવામાં આવેલા શુભેચ્છા સંદેશનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત સભાજનોએ આ બંને મહાનુભાવોના સંદેશ અને માર્ગદર્શન બાદ તાળીઓ વગાડીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

ડો. મણિલાલ હ પટેલે તેમના વક્તવ્યમાં રમેશ પારેખની કવિતા, ’ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારૂં પહેલા વરસાદ સમું આવવું’ અને જયંત પાઠકની ’ થોડો વગડાનો શ્ર્વાસ મારા શ્ર્વાસમાં’ જેવી ગુજરાતી કવિઓનાં અસંખ્ય કાવ્યોનાં ઉદાહરણો આપીને વ્યવહારની માતૃભાષાથી માંડીને કાવ્યની સર્જનાત્મક ગુજરાતી ભાષા સુધીનાં ભાષારૂપો વિષે વિશદ અને આસ્વાદ્ય ચર્ચા કરી હતી. કવિ હરીશ મીનાશ્રુએ વિશ્ર્વની વિભિન્ન ભાષાઓના ઉત્તમ કવિઓની કવિતાઓના ગુજરાતી અનુવાદો રજૂ કરી માતૃભાષાનો મહિમા સમજાવ્યો હતો. તેમણે સો શેર ધરાવતી તેમની એક દીર્ઘ ગઝલ પણ પ્રસ્તુત કરી હતી. જેને ઉપસ્થિત છાત્રો અને અધ્યાપકોએ ખૂબ પ્રોત્સાહક પ્રતિભાવ આપ્યો.સમાપન વક્તવ્ય આપતાં વાણિજ્ય વિભાગના અધ્યક્શા અને મુખ્ય મહેમાનશ્રી ડો દક્ષાબેન ચૌહાણે કવિ ઝવેરચંદ મેઘાણીના જાણીતા કાવ્ય ‘ચારણ ક્ધયા’ તેમજ નરસિંહ મહેતાનાં પ્રભાતિયાંની કેટલીક પંક્તિઓ પ્રસ્તુત કરી, એ કાવ્યોની નૈસર્ગિક ભાષાસમૃદ્ધિ વિષે વિશદ ચર્ચા કરી હતી. ઔપચારિક શિક્ષણ લીધા વગર પણ મહાકવિ વાલ્મીકિ, આદિકવિ નરસિંહ, મીરાં વગેરેએ કેટલી સમૃદ્ધ કવિતા સર્જી છે, તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. કાર્યક્રમના આયોજનમાં કુલસચિવ ડો અનિલભાઈ સોલંકીના માર્ગદર્શનમાં યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડો. સુરેન્દ્રસિંહ ગોહિલ, વાણિજ્ય વિભાગના પ્રોફેસર ડો. શૈલેષભાઈ રાણસરિયા, ઇતિહાસના ડો સુરેશ ચૌધરી સહિત તમામ અધ્યાપક મિત્રો તેમજ કાર્યાલયના સર્વ શ્રી જાગૃત પંડ્યા, પિનાકીનભાઈ અને અનીતાબેન બારીયાએ ખાસ જહેમત ઉઠાવી હતી. તમામ અનુસ્નાતક વિભાગો માંથી 250 જેટલા વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં હાજર રહીને ઉત્સાહપૂર્વક કાર્યક્રમ માણ્યો હતો. અંતમાં રાષ્ટ્રગીતનું સમૂહ ગાન કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો. કાર્યક્રમનું સંચાલન યુનિવર્સિટીનાના academic Advisor ડો. કુમાર જૈમિનિ શાસ્ત્રીએ કર્યું હતું અને યુનિર્વિસટીને આવો સરસ કાર્યક્રમ યોજવા માટે સંમતિ અને શુભેચ્છા સંદેશ આપવા બદલ માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશભાઈ જહા, મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ, કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, મહેમાન ડો. દક્ષાબેન ચૌહાણ, ડો. મણિલાલ હ.પટેલ, હરીશ મીનાશ્રુ, આયોજન સહયોગ બદલ અનુસ્નાતક વિભાગના પ્રોફેસરો કાર્યાલય અને ઉપસ્થિત છત્રોનો હાર્દિક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે તમામ સહભાગીઓ માટે ચા અને નાસ્તાનો પ્રબંધ કરવામાં આવ્યો હતો.