શ્રદ્ધાળુઓથી ભરેલી ઊભી બસને ડમ્પરે અડફેટે લેતા ૧૧નાં મોત

લખનૌ, ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક ભીષણ અકસ્માતની ઘટના બની છે. જેમાં ૧૧ લોકોના મોત થયા છે. શનિવારે રાત્રે ઢાબાની બહાર ઉભેલી વોલ્વો બસ સાથે કોંક્રિટ ભરેલું ડમ્પર ભયાનક રીતે અથડાતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં બસમાં બેઠેલા ૧૧ લોકોના મોત થયા હતા અને ૧૦ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આ તમામ લોકો સીતાપુરથી પૂર્ણાંગિરી (ઉત્તરાખંડ) જઈ રહ્યા હતા. શનિવારે રાત્રે ૧૨.૧૫ કલાકે ભોજન અને નાસ્તો કરવા માટે એક ઢાબા પર રોકાયા હતા, ત્યારે તેજ ગતિએ આવી રહેલા ડમ્પરને બસને ટક્કર મારીને પલટી મારી ગઈ હતી. રાત્રે ૧ વાગ્યા સુધીમાં ડમ્પર નીચેથી નવ મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ ૧૦ ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. રાત્રે ૨ વાગ્યા સુધી રાહત કાર્ય ચાલુ રહ્યું હતું. બસમાં ૪૦થી વધુ શ્રદ્ધાળુઓ હોવાનો અંદાજ છે. ઉત્તરાખંડના પૂર્ણનગરીમાં માતાનો દરબાર છે. ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે જાય છે. શનિવારે રાત્રે ભક્તોનું એક જૂથ ખાનગી બસ દ્વારા સીતાપુરના સિંધૌલી માટે રવાના થયું હતું.