
નવીદિલ્હી,
દિલ્હી પોલીસ ટૂંક સમયમાં શ્રદ્ધા વાલકર હત્યા કેસમાં ચાર્જશીટ દાખલ કરી શકે છે. સૂત્રોએ આ માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ૧૮ મેના રોજ દિલ્હીના છતરપુર વિસ્તારમાં આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ મૃતદેહના અનેક ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા.
હાલમાં કાયદાકીય નિષ્ણાતો આ કેસની ચાર્જશીટ તપાસી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જાન્યુઆરીના અંતમાં કોઈપણ તારીખે ચાર્જશીટ દાખલ કરવામાં આવી શકે છે. ૩૦૦૦ થી વધુ પેજની ચાર્જશીટના ડ્રાટમાં ૧૦૦ સાક્ષીઓ ઉપરાંત ફોરેન્સિક અને ઈલેક્ટ્રોનિક પુરાવાઓને પણ આવરી લેવાયા છે.
ડીએનએ રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે છતરપુરના જંગલોમાંથી મળી આવેલા હાડકાઓ શ્રદ્ધાના જ હતા. તેનો પણ ઉલ્લેખ ચાર્જશીટમાં કરાયો છે. આ સિવાય આફતાબ પૂનાવાલાની કબૂલાત અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ પણ સામેલ કરાયો છે. નોંધનીય છે કે કોર્ટમાં આ બંને રિપોર્ટનું બહુ મહત્વ નથી. આ કેસમાં આફતાબ પર આરોપ છે કે તેણે ૧૮ મેના રોજ દિલ્હીના છતરપુર વિસ્તારમાં શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા બાદ મૃતદેહના અનેક ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા હતા.
આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રદ્ધાના પિતાએ ઓક્ટોબરમાં પોલીસમાં ફરિયાદ કરી હતી. શ્રદ્ધાના પિતા વિકાસ પુત્રીના સંપર્કમાં નહોતા કારણ કે તેઓ આફતાબ પૂનાવાલા સાથેના તેના સંબંધને લઈને નારાજ હતા. ગયા વર્ષે મે મહિનામાં શ્રદ્ધાની હત્યા કરવામાં આવી હતી, પરંતુ આ મામલો ઘણા મહિનાઓ પછી પ્રકાશમાં આવ્યો હતો. આફતાબની દિલ્હી પોલીસે ૧૨ નવેમ્બર ૨૦૨૨ના રોજ શ્રદ્ધાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.