
સુરત,
દિલ્હીમાં શ્રદ્ધા મર્ડર કેસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે શ્રદ્ધા મર્ડર કેસનું ગુજરાત કનેક્શન ખૂલ્યું છે. આફતાબ સાથે જોડાયેલ ડ્રગ પેડલરની ધરપકડ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, ડ્રગ પેડલર સુરતનો હોવાનું બહાર આવ્યું છે. ડ્રગ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરાઈ છે, તે સુરતનો છે. ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને ડ્રગ પહોંચાડતો હતો. ત્યારે શ્રદ્ધા મર્ડર કેસમાં સુરત પોલીસ પણ દોડતી થઈ છે.

સુરતનો ફૈઝલ મોમીન આફતાબ પૂનાવાલાને ડ્રગ્સ પહોંચાડતો હોવાનું સામે આવ્યું છે. તેથી હવે ફૈઝલ મોમીનના કોલ રેકોર્ડની તપાસ કરવામાં આવશે. ફૈઝલ મોમીનની ૪ દિવસ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી. પાંડેસરા અને અમરોલીમાં ૪ કરોડના ડ્રગ કેસમાં ફૈઝલની મુંબઈથી ધરપકડ કરાઈ હતી. ત્યારે ફૈઝલ મોમીન હાલ સુરતની લાજપોર જેલમાં છે.
દિલ્હીના મહરૌલી વિસ્તારમાં પોતાની પ્રેમિકા શ્રદ્ધાની ઘાતકી હત્યા કરીને તેના મૃતદેહા ૩૫ ટુકડા કરનાર આરોપી આફતાબનો સોમવારે ત્રીજીવાર પોલીગ્રાફી ટેસ્ટ થશે. હાલ કોર્ટે આફતાબને ૧૩ દિવસની ન્યાયિક પૂછપરછમાં રાખ્યો છે. તે દિલ્હીની તિહાર જેલમાં કેદ છે. આફતાબનો નાર્કો ટેસ્ટ આંબેડકર હોસ્પિટલના ડો.નવીન કરશે. આફતાબ પૂનાવાલાનો અત્યાર સુધી બે વાર પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે. એફએસએલની ટીમે ગુરુવારે ટેસ્ટ દરમિયાન ૮ કલાક તેની પૂછપરછ કરી હતી. શુક્રાવેર આફતાબની ૩ કલાક પૂછપરછ કરાઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, આફતાબની તબિયત ખરાબ થવાને બીજા દિવસે અમે પૂછપરછ કરી શક્યા ન હતા. આ કારણે સોમવારે તેનો પોલીગ્રાફી ટેસ્ટ કરવામાં આવ્યો છે.
શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ ફોરેન્સિક તપાસમાં થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યાં મુજબ જે હાડકાં પોલીસને મળી આવ્યા હતા તેના બ્લડ ક્લોટ અને શ્રદ્ધાના પિતાના સેમ્પલને મેચ કરવામાં આવ્યા હતા. અત્રે જણાવવાનું કે ફોરેન્સિક લેબે બ્લડ ક્લોટ અને હાડકાનું શ્રદ્ધાના પિતાના સેમ્પલ સાથે મેચ કર્યું હતું. જેમાં ડીએનએ સેમ્પલ મેચ થઈ ગયું હોવાની પુષ્ટિ થઈ છે.
પોલીસ સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ ફોરેન્સિક તપાસની ટીમે દિલ્હી પોલીસને એ વાતની મૌખિક જાણકારી આપી છે. એવું કહેવાયું છે કે સમગ્ર રિપોર્ટ તૈયાર કરીને આપવામાં હજું ફોરેન્સિક ડિપાર્ટમેન્ટને થોડા દિવસનો સમય લાગી શકે છે. પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા એગ્ઝાબિટની તપાસ બાદ શ્રદ્ધાની હત્યાની પુષ્ટિ થઈ ગઈ છે. બીજી બાજુ ફોરેન્સિક ટીમે પોલીસને એ પણ જણાવ્યું કે તેમને આરીથી બોડી કાપવાના નિશાન મળ્યા છે. આવામાં પોલીસ હવે આગળની કાર્યવાહી કરવાની સાથે ડિટેઈલ રિપોર્ટ મળવાની રાહ જોઈ રહી છે.