નવીદિલ્હી,
દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસે આખા દેશને સ્તબ્ધ કરી મૂક્યો છે. કોઇ વ્યક્તિ આટલી હદે ક્રૂર કઇ રીતે થઇ શકે એ વાત જ સમજની બહાર છે. આફતાબ અમીન પૂનાવાલા નામના છોકરાએ કથિત રીતે તેના લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વિકાસ વોકરની હત્યા કરી અને તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા. ત્યારબાદ તેના ટુકડા એક એક કરીને દિલ્હી નજીકના જંગલમાં ફેંકી દીધા.
શ્રદ્ધાના પિતાએ આફતાબ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી વિકાસ મદન વોકરે ખુલાસો કર્યો હતો કે ૨૦૧૮ માં તેની પુત્રી શ્રદ્ધાએ મુંબઈમાં એક કોલ સેન્ટરમાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાં આફતાબ પણ કામ કરતો હતો. ૨૦૧૯ માં, શ્રદ્ધાએ આફતાબ સાથે રહેવાનું નક્કી કર્યું જેનો પરિવાર દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પરિવારના વિરોધને ગણકાર્યા વિના શ્રદ્ધા આફતાબ સાથે દિલ્હી ચાલી ગઇ. થોડા સમય બાદ શ્રદ્ધાએ તેની માતાને ફોન કરવાનું શરૂ કર્યું અને આફતાબ સાથે થતા સતત ઝઘડા વિશે જણાવ્યું. માતાના મૃત્યુ બાદ તેણે પિતાને ફોન પર ફરિયાદ કરવાનું શરૂ કર્યું. શ્રદ્ધા તેના પિતાને મળવા આવી ત્યારે તેમણે તેને આફતાબ અમીન પૂનાવાલાને છોડીને ઘરે પાછા આવવા જણાવ્યું, પણ આફતાબે માફી માગતા તે પાછી તેની સાથે રહેવા ગઇ, એમ શ્રદ્ધાના પિતાએ જણાવ્યું હતું. શ્રદ્ધાના મિત્રોએ તેમને જણાવ્યું હતું કે શ્રદ્ધા અને આફતાબ વચ્ચેના સંબંધો સારા નથી અને તે તેની સાથે મારપીટ કરતો હતો.
ફરિયાદમાં શ્રદ્ધાના પિતા વિકાસે આગળ લખ્યું છે- “શ્રદ્ધાએ મારી વાત ન સાંભળી, તેથી મેં મહિનાઓ સુધી તેની સાથે વાત કરી નહીં. ત્યારબાદ ૧૪મી સપ્ટેમ્બરે મારા પુત્ર શ્રીજય વિકાસ વોકરને લક્ષ્મણ નાદરનો ફોન આવ્યો જેણે જણાવ્યું કે તેની બહેનનો સેલફોન છેલ્લા ૨ મહિનાથી બંધ છે. જ્યારે વિકાસ તેમની પુત્રીનો સંપર્ક કરી શક્યા નહીં, ત્યારે તેમણે મહારાષ્ટ્રના માણિકપુરના પોલીસ સ્ટેશનમાં શ્રદ્ધા ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેને બાદમાં દિલ્હીના મેહરૌલીમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.આફતાબની પોલીસે ધરપકડ કરી છે અને વધુ પૂછપરછ માટે તેને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. શ્રદ્ધાના પિતાએ આરોપીને કડી સજા કરવાની માગણી કરી છે. દરમિયાન આજે આફતાબને પોલીસ જે જંગલમાં લાશના ટુકડા નાખ્યા હતાં તે સ્થળે લઇ ગઇ હતી અને નીરીક્ષણ કર્યું હતું.