શ્રદ્ધા મર્ડર કેસ: આફતાબનો થશે નાર્કો ટેસ્ટ, દિલ્હી પોલીસને કોર્ટની મંજુરી

નવીદિલ્હી,

દિલ્હી પોલીસ શ્રદ્ધા હત્યા કેસના આરોપી આફતાબ અમીન પૂનાવાલાનો નાર્કો ટેસ્ટ કરશે. દિલ્હી પોલીસે નાર્કો ટેસ્ટ માટે સાકેત કોર્ટ પાસે પરવાનગી માંગી હતી. કોર્ટે આજે નાર્કો ટેસ્ટની મંજૂરી આપી દીધી છે. ખરેખર પોલીસને લાગે છે કે, આફતાબ તપાસથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યો છે.

શ્રદ્ધાની હત્યા માટે વપરાયેલો મોબાઈલ અને આરીને આફતાબે ક્યાં ફેંકી છે તેના જવાબમાં પણ તે ક્યારેક મહારાષ્ટ્રમાં તો ક્યારેક દિલ્હીમાં મોબાઈલ ફેંકવાની વાત કરે છે. પોલીસ નાર્કો ટેસ્ટ દ્વારા સમગ્ર સત્ય જાણવા માંગે છે, મોબાઈલ અને હથિયારો રીકવર કરવા માંગે છે.

આફતાબે પોલીસને જણાવ્યું હતું કે, ૨૨ મેના રોજ ઝઘડો કરીને શ્રદ્ધા ઘરેથી નીકળી ગઈ હતી. આફતાબે એ પણ જણાવ્યું કે તેણે માત્ર તેનો ફોન લીધો હતો. જ્યારે કપડા અને અન્ય સામાન અહી મુકી ગઇ હતી. પરંતુ, પોલીસે આફતાબના નિવેદન પર બિલકુલ વિશ્વાસ ન કર્યો. આ પછી પોલીસે જ્યારે આફતાબ અને શ્રદ્ધાની કોલ ડિટેઈલ અને લોકેશન ચેક કર્યું તો ઘણા ચોંકાવનારા ખુલાસા થયા.

પોલીસના જણાવ્યા અનુસાર, આફતાબ અમીન પૂનાવાલાએ પણ કથિત રીતે શ્રદ્ધાના મિત્રોનો સંપર્ક કરવા અને તેની હત્યાની વાત છુપાવવા માટે શ્રદ્ધાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કર્યો હતો. પોલીસનું કહેવું છે કે, ૧૮ મેના રોજ શ્રદ્ધાની હત્યા થયા બાદ આફતાબે એક મહિના સુધી શ્રદ્ધાનું એકાઉન્ટ ઓપરેટ કર્યું હતું.

આફતાબ ઈન્સ્ટાગ્રામ પર પોતાને શ્રદ્ધા તરીકે રજૂ કરતો હતો અને ૯ જૂન સુધી શ્રદ્ધાના મિત્રો સાથે ચેટ કરતો હતો, જેથી શ્રદ્ધા જીવિત હોવાનો ભ્રમ ઉભો કરી શકાય.