શ્રદ્ધા હત્યાકાંડ, છોકરીઓ પર ધ્યાન રાખો, તે ભલે સંબંધ કાપી નાખે તો પણ તેના સ્થળની જાણકારી રાખો: કિરણ બેદી

નવીદિલ્હી,

દિલ્હીમાં શ્રદ્ધા વોકરની અતિ ઘાતકી હત્યાએ લોકોને ડરાવી દીધા છે અને આવી ઘટનાઓને કારણે છોકરીઓના જીવન પર ખતરો સર્જાયો છે ખાસ કરીને હાલમાં ડેટિંપ એપનો ઉપયોગ વધી રહ્યો છે અને ડેટિંગ એપના કારણે નિર્દોષ છોકરીઓ ફસાઈ રહી છે તેવી ઘણી ઘટનાઓ સામે આવી ચૂકી છે.

ભારતના પહેલા મહિલા આઈપીએસ અધિકારી અને પુડ્ડુચેરીના પૂર્વ ઉપરાજ્યપાલ કિરણ બેદીએ શ્રદ્ધા વોકર હત્યાકાંડ મામલે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે માતાપિતાને તેમની પુત્રીઓ પર નજર રાખવાની સલાહ આપી છે. દિલ્હી પોલીસે શ્રદ્ધાની હત્યાના આરોપમાં લિવ ઇન પાર્ટનર આફતાબ અમીન પૂનાવાલાની ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.

કિરણ બેદીએ કહ્યું, છોકરી ભલે એવું કહે કે તે અમે માતાપિતા સાથે કોઈ સંબંધ રાખવા નથી માગતી તો પણ તેની પર નજર રાખવી જોઈએ. તેમણે કહ્યું કે માતાપિતા અને પરિવારના અન્ય સભ્યોની જવાબદારી છે કે તેઓ તેના ઠેકાણા વિશેની માહિતી એકત્રિત કરે. તેમણે કહ્યું કે શ્રદ્ધાના માતાપિતાએ વધુ જિજ્ઞાસુ બનવું જોઈતુ હતું. તેમણે કહ્યું કે તે જ્યાં રહેતી હતી, ત્યાં તેના પાડોશીઓ, લેટ માલિકે જવાબદારી લેવી જોઇતી હતી. એ દેખીતું છે કે કુટુંબ નિષ્ફળ ગયું છે. આ સમાજની નિષ્ફળતા છે, મિત્રો પણ નિષ્ફળ ગયા છે. બેદીએ કહ્યું કે મહિલાઓને જોખમના નિશાનની જાણ કરવા કહેવું જોઈએ.આ કેસની તપાસ કરવા અંગે તેમણે કહ્યું હતું કે સત્તાવાળાઓએ જોવું જોઈએ કે આફતાબ (શ્રદ્ધાનો હત્યારો) ડેટિંગ એપ્સમાં કેટલો વ્યસ્ત રહેતો હતો. ત્યાં કંઈક હોવું જોઈએ જે શ્રદ્ધાએ જોયું હતું અને તેના કારણે ગુનો થયો હતો. ’

મે ૨૦૨૨માં આફતાબ અમીન પૂનાવાલાએ તેની ૨૬ વર્ષીય લીવ ઈન પાર્ટનર શ્રદ્ધા વોકરની હત્યા કરી હતી. બંનેની મુલાકાત એક ડેટિંગ એપ દ્વારા થઈ હતી અને તેઓ ૨૦૧૯થી સાથે રહેતા હતા. તેમના માતાપિતાએ વાંધા ઉઠાવ્યા બાદ તેઓ દિલ્હી આવ્યા હતા. ૧૮ મેના રોજ ઉગ્ર ઝગડા બાદ આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને શ્રદ્ધાની હત્યા કરી હતી અને તેના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા હતા. આ પછી, ટુકડાઓને ૧૮ દિવસ સુધી મેહરૌલીના જંગલોમાં ફેંકી દેતો હતો. શ્રદ્ધાના ગુમ થયાની પિતાની ફરિયાદ બાદ આ મામલો છ મહિનો બહાર આવ્યો હતો.