
મુંબઈ,
સમગ્ર દેશમાં ચકચાર મચાવનાર શ્રદ્ધા હત્યાકાંડને લઈને મહારાષ્ટ્ર સરકાર તરફથી મંગળવાર (૨૦ ડિસેમ્બર) એ મોટી જાહેરાત કરવામાં આવી છે. શ્રદ્ધા વોલકર હત્યા કેસમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એસઆઇટીની રચના કરી બજેટ સત્ર પહેલા રિપોર્ટ ટેબલ કરવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને આકરી સજા આપવાની માંગ કરશે. રાજ્યના નેતા વિપક્ષ અજીત પવારે પણ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે કહ્યુ કે, અત્યાર સુધી તે જોવા મળ્યું છે કે ફરિયાદ પરત લેવા માટે શ્રદ્ધા પર કોઈ રાજકીય દબાણ નહોતું. અમે આ કેસની તપાસ કરી રહ્યાં છીએ. ફરિયાદ નોંધાવવા અને પરત લેવા વચ્ચે મહિનાનું અંતર હતું, અમે તપાસ કરીશું કે તે દરમિયાન પોલીસે શું કાર્યવાહી કરી. કેસ નોંધવામાં કથિત વિલંબ અને શ્રદ્ધાનો પત્ર પાછો ખેંચવા અને તેની પાછળ કોઈ રાજકીય દબાણ હતું કે કેમ તેની પણ તપાસ કરશે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે રાજ્ય સરકાર તરફથી ઇન્ટરફેથ મેરેજનો કોઈ વિરોધ નથી. અન્ય રાજ્યોમાં લવ જેહાદ પર કેટલાક કાયદા બનાવવામાં આવ્યા છે, તે દરેક કાયદાનો અભ્યાસ કર્યા બાદ જો જરૂર પડશે તો રાજ્ય સરકાર તેના પર નિર્ણય લેશે જેથી કોઈ મહિલા તેનો શિકાર ન થાય.
શ્રદ્ધા વોલકરના પિતા વિકાસ વોલકરે પાછલા સપ્તાહે ભાજપના ધારાસભ્ય કિરીટ સોમૈયાની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે તેમના મુંબઈ સ્થિત આવાસ પર મુલાકાત કરી હતી. બેઠક બાદ તેમણે એક પત્રકાર પરિષદ કરી અને પોતાની પુત્રીના મોત માટે વ્યવસ્થાને દોષ આપ્યો હતો.
વિકાસ વોલકરે રાજ્ય સરકારને આશ્ર્વાસન આપ્યું હતું કે મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવામાં આવશે અને પરિવારને ન્યાય અપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધા વોલકરની હત્યાનો આરોપ તેના લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલા પર લાગ્યો છે. આફતાબે કથિત રીતે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના ૩૫ ટુકડા કર્યાં હતા.